by Admin on | 2023-06-05 15:30:53
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 254
ગુજરાતના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો વિભાગના મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષતામાં આજરોજ બોટાદના નાનજી દેશમુખ ઓડીટોરીયમ હોલ ખાતે Beat Plastic Pollution થીમ સાથે જિલ્લાકક્ષાનો “વિશ્વ પર્યાવરણ દિવસ તેમજ મિશન લાઇફની સામુહિક ગતિશીલતાની” ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાના વરદહસ્તે બોટાદ જિલ્લા પંચાયત સ્થિત અંદાજે રૂ.૨૦.૮૯ લાખના ખર્ચે તૈયાર થયેલ 50 KWP રૂફ ટોપ સોલાર પ્રોજેક્ટ અને રૂ.૧.૪૨ કરોડના ખર્ચે કૃષ્ણસાગર તળાવની આગળના ભાગમાં તૈયાર કરાયેલ સ્વીમીંગ પુલની ઈ- તકતીનું અનાવરણ કર્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મંત્રીશ્રીએ રીબીન કાપીને સ્વીમીંગ પુલને ખૂલ્લો મુક્યો હતો.
પર્યાવરણ દિવસ નિમિત્તે બોટાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે,દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા મિશન લાઈફ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી જે આપણાં સૌના માટે પ્રેરણા પુરી પાડનારૂ અભિયાન બની રહ્યું છે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ પર્યાવરણની જાળવણી માટે અનેકવિધ કામો હાથ ધરાયા છે ત્યારે બોટાદ જિલ્લાને હરિયાળું બનાવવા સરકારી પડતર જમીન, રોડ સાઇડ તેમજ ખેડૂતના શેઢે પાળે વૃક્ષો વાવવા એટલું જ નહીં પરંતુ વાવેલા વુક્ષો મોટા થાય તેની સવિશેષ કાળજી લેવાય જેથી ગ્રીન ગુજરાતની સંકલ્પનાને પરિપૂર્ણ કરી શકાય. પ્રકૃતિનું જતન અને પર્યાવરણની જાળવણી એ આપણી સૌની જવાબદારી હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
બોટાદ શહેરી વિસ્તારમાં બોટાદ નગરપાલિકા અને અન્ય સંસ્થાઓના સહયોગ થકી નદી સફાઇ, વૃક્ષારોપણની સાથોસાથ બોટાદ જિલ્લો પ્લાસ્ટીક મુક્ત બને તે માટે પ્લાસ્ટિકને એકઠું કરીને તેને રિ-યુઝ, રિ-રિસાયક્લિંગ કરીને ભાવીપેઢી માટે સ્વસ્થ પ્રાકૃતિક વારસાનું નિર્માણ કરવા મંત્રીશ્રીએ આહવાન કર્યું હતું.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લાના પ્રજાજનોની જનસુખાકારીમાં વધારો થાય તે માટે બોટાદ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં વૃક્ષખેતી યોજના, એગ્રો ફોરેસ્ટ્રી યોજના, વિકેન્દ્રિત નર્સરીઓ, સ્મશાન સગડી, નિર્ધૂમ ચુલાનું અંદાજે ૧ હજાર લાભાર્થીઓને ૧૫૬ લાખ રૂપિયાની નાણાંકીય સહાય ચૂકવી હોવાનું ઉમેર્યું હતું. સ્વચ્છતા અંગે પોતાના વિચારો રજૂ કરવા બદલ શાળાની વિદ્યાર્થીની દ્રષ્ટી ખેરને મંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા હતાં.
જિલ્લા કલેકટરશ્રીડૉ. જીન્સી રોયે પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, દરવર્ષે સરકારશ્રી દ્વારા અલગ અલગ થીમ આધારીત વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે બોટાદ જિલ્લો પ્લાસ્ટિક મુક્ત બને તે માટે પ્લાસ્ટિકને એકઠું કરીને તેને રિસાયક્લિંગ કરવાનું કામ જિલ્લા પ્રશાસન દ્વારા હાથ ધરાયું છે. આગામી સમયમાં પણ તમામ પ્લાસ્ટિક એકત્ર કરીને તેનું રિસાયકલ કરવામાં આવશે. આપણો જિલ્લો પ્લાસ્ટિક મુક્ત બને તે માટે તમામ નાગરિકોએ પોતાની જવાબદારી સમજીને આ અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી.
નાયબ વન સંરક્ષકશ્રી આયુષ વર્માએ શાબ્દિક સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજયમાં વન વિભાગ દ્વારા પાંચમી મે થી પાંચ મી જુન સુધી મિશન લાઈફ અભિયાન ચાલી રહ્યું છે.જેનો ઉદેશ એટલો જ છે કે ઓછામાં ઓછો પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને રાજ્ય અને દેશને પ્લાસ્ટિક મુક્ત બનાવીએ. મિશન લાઈફની શરૂઆત કરતાં વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું કે, જળવાયું પરિવર્તનની અસરો સામે લડવા માટે વિશ્વને એક થવાની જરૂર છે. બોટાદમાં મિશન લાઈફ અભિયાન અંતર્ગત થયેલી કામગીરીનો ચિતાર શ્રી વર્માએ રજૂ કર્યો હતો.
આ પ્રસંગે જુનાગઢ વર્તુળના મુખ્ય વન સંરક્ષક સુશ્રી આરાધનાબેન શાહુ અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વીરાણીએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું.
આ અવસરે મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાને વન સંરક્ષકશ્રી આયુષ વર્માએ કાળીયારની પ્રતિકૃતિ અને જિલ્લા કલેક્ટરશ્રીએ મુખ્ય વન સંરક્ષક સુશ્રી આરાધના બેન શાહુને ચરખો આપી અભિવાદન કર્યું હતું. કાર્યક્રમના અંતે મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા સહિત અન્ય મહાનુભાવોએ સચિન વીલા સામે, બોટાદ-તુરખા રોડ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. આ કાર્યક્રમમાં મંત્રીશ્રી સહિત અન્ય મહાનુભાવોએ રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
આ ઉજવણીમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાણીયા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી કિશોરભાઈ બલોલીયા, નિવાસી અધિક કલેક્ટરશ્રી મુકેશભાઈ પરમાર, જિલ્લાના અગ્રણીશ્રી મયુરભાઇ પટેલ, શ્રી ચંદુભાઇ સાવલીયા સહિત જિલ્લાના અધિકારીઓ-પદાધિકારીઓ તેમજ બોટાદવાસીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.