by Admin on | 2023-06-09 14:32:20
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 125
જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીની સૂચનાનુસાર તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન મુજબ નાગલપર ગામે પ્રાથમિક શાળામાં આરોગ્ય કર્મચારી દ્વારા મેલેરિયા વિરોધી જૂન માસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત તમામ બાળકોને મચ્છર કરડવાથી બચવાના ઉપાયો, મચ્છરનો ઉપદ્રવ અટકાવવા માટે લેવાની થતી કાળજીઓ અંગે સમજ આપવામાં આવી હતી.
તમામ લોકોને ઘરની પાણીની ટાંકી ઢાંકીને રાખવા, દર અઠવાડિયે એક વખત પાણીની ટાંકી સાફ કરવી, પક્ષીકુંજનું પાણી દરરોજ સાફ કરીને ત્યારબાદ જ તેમાં પાણી ભરવું, ફ્રીજની ટ્રે તેમજ કુલરના પાણીની સફાઈ નિયમિત કરવી અને ખાસ અગાસી પર રહેલા ટાયર, નાળિયેરના કાચલા, ખાલી પ્લાસ્ટિકના ડબ્બાઓ, ખાલી માટલા વગેરેમાં વરસાદનું પાણી ન ભરાય તે માટે આ બધી વસ્તુઓ ઘરની અંદરની બાજુએ મૂકવા તેમજ મચ્છરના કરડવાથી બચવા માટે ઘરમાં લીમડાના પાનનો ધુમાડો કરવા સૂચિત કરાયા હતા. મચ્છરના પોરાનું નિદર્શન કરીને મચ્છર કઈ રીતે ઈંડા પોરા પ્યુપા અને મચ્છર એમ તબક્કાવાર બને છે તેનું નિદર્શન કરી બાળકોને પ્રેક્ટીકલ જ્ઞાન આપવામાં આવ્યું હતું.
આ તમામ માહિતી નાગલપર ગામના સ્થાનિક આરોગ્ય કર્મચારીશ્રી ધર્મેશભાઈ સોલંકી દ્વારા આપવામાં આવી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવવા મેડીકલ ઓફીસર,ફી.હે.વ. શ્રીમતી મંજુબેન, સી.એચ.વો. વંદનાબેન, આચાર્યશ્રી કિરણભાઈ સહિત સમગ્ર શિક્ષણગણ અને સ્થાનિક આશાબહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી