GUJARAT BOTAD

હવે શાળાએ ન જવાનું વિદ્યાર્થીઓ પાસે નથી કોઈ બહાનું

by Admin on | 2023-06-10 13:54:11

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 8


હવે શાળાએ ન જવાનું વિદ્યાર્થીઓ પાસે નથી કોઈ બહાનું

સરકારશ્રીની પરિવહન સુવિધા થકી સરળ થયું શાળાએ પહોંચવાનું
ગ્રામ્ય પંથકના વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ રેશીયો ઘટાડતી યોજના એટલે નિ:શુલ્ક પરિવહન સુવિધા
વર્ષ ૨૦૨૨-૨૩ દરમ્યાન પરિવહન સુવિધા અંતર્ગત બોટાદ જિલ્લાના ૧,૧૪૭ બાળકોને મળ્યો લાભ
હવે અમે સમયસર શાળાએ પહોંચી શકીએ છીએ: લાભાર્થી વિદ્યાર્થિની

ધોધમાર વરસાદ, અતિશય ઠંડીમાં બાળકો માટે શાળાએ આવવું કપરું બનતું ત્યારે તેમને ઘરનાં ઉંબરેથી શાળાનાં પ્રવેશદ્વાર સુધી પહોંચાડતી સુવિધાને વાલીઓએ વધાવી 

એવું કહેવાય છે કે, અન્યને પ્રભાવિત કરે તે શિક્ષણ નહીં, પરંતુ સર્વ પ્રકાશિત કરે તે શિક્ષણ... સાચી કેળવણી બાળકોમાં રહેલું હિર પ્રગટાવે છે. વ્યક્તિનાં અંધકારમય જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ પાથરીને શિક્ષણ જ વ્યક્તિને તેજ આપે છે. રાજ્ય સરકારની શિક્ષણ ક્ષેત્રે આગવી યોજનાઓને કારણે આજે ગુજરાતનાં ખૂણે-ખૂણે શિક્ષણ અને કેળવણીનો શંખનાદ ફૂંકાયો છે. સરકારનાં નવતર પ્રયોગોની ચાવીએ જ્ઞાનશક્તિનાં દ્વાર ખોલ્યાં છે ત્યારે બોટાદ જિલ્લામાં શિક્ષણ વિભાગ બાળકોને કેળવણી અને શિક્ષણ પૂરી પાડવાની પોતાની ફરજ કાર્યદક્ષતાથી નિભાવી રહ્યો છે. 

રાજ્ય સરકાર છેવાડાના ગામડાંના વિદ્યાર્થીઓને પણ શિક્ષણ મળે તે માટે સતત કાર્યશીલ અને કટીબદ્ધ છે. રાજ્યમાં નાના ગામડાઓમાં કે જ્યાં પ્રાથમિક, ઉચ્ચતર પ્રાથમિક અને માધ્યમિક શાળાની સુવિધા નથી તેવા ગામડાંઓના બાળકો આજુબાજુમાં ગામડાઓ-શહેરમાં અભ્યાસ અર્થે પગપાળા શાળા સ્થળે પહોંચતા હતા, આવા સંજોગોમાં રાજ્ય સરકાર દ્વારા આર.ટી.ઇ. એક્ટ ૨૦૦૯ હેઠળ રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ ગુજરાત આર.ટી.ઇ. રૂલ્સ ૨૦૧૨ના નિયમ-૫ની જોગવાઇ મુજબ જે વિસ્તારોમાં શાળાઓની સુવિધા નથી તેવા વિસ્તારમાં બાળકોને મફત વાહન પરિવહન સુવિધાઓ પુરી પાડવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે માટે આરટીઇ એક્ટ ૨૦૦૯ મુજબ જ્યાં ઘરથી પ્રાથમિક શાળાનું અંતર એક કિ.મી.થી વધુ અને ઉચ્ચતર પ્રાથમિક શાળાનું અંતર ૩ કિમીથી વધુ હોય તેવા બાળકોને તથા માધ્યમિક શાળાના વિદ્યાર્થીના ઘરથી શાળાનું અંતર પાંચ કિમીથી વધુ હોય તેવા વિદ્યાર્થીઓને પરિવહન સુવિધા મળવાપાત્ર છે. આ સુવિધાથી અનેક વિદ્યાર્થીઓ શાળાએ નિયમિત આવતાં થયા છે.

બોટાદ જિલ્લામાં ટ્રાન્સપોર્ટેશન ફેસીલીટી (નિ:શુલ્ક પરિવહન સુવિધા) : 

બોટાદ જિલ્લાની વાત કરીયે તો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ડો.ભરતસિંહ વઢેરના જણાવ્યાં મુજબ, વર્ષ ૨૦૨૨-૨૩ દરમ્યાન પરિવહન સુવિધા અંતર્ગત બોટાદ જિલ્લાના  કુલ-૧૧૪૭ બાળકોને લાભ આપવામાં આવ્યો છે. સાથે સાથે જિલ્લા પ્રોજેક્ટ કૉ-ઓર્ડીનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સમગ્ર શિક્ષા-બોટાદ દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ માટે કુલ-૨૧ (SMC) પ્રા.શાળાઓને તા:૦૫/૦૬/૨૦૨૩થી શૈક્ષણિક સત્ર સુધી ધોરણ ૧ થી ૮ ના કુલ-૯૬૪ બાળકો માટે ટ્રાન્સપોર્ટેશન સુવિધા શરૂ કરવાની મંજુરી આપવામાં આવી છે. તેમજ જિલ્લા શિક્ષણાધિકારી સમગ્ર શિક્ષા-બોટાદ દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ માટે કુલ-૦૨ (SMDC)સરકારી માધ્યમિક શાળાઓને તા: ૧૨/૦૬/૨૦૨૩થી શૈક્ષણિક સત્ર સુધી ધોરણ ૯ થી ૧૦ ના કુલ-૨૦૪ બાળકો માટે ટ્રાન્સપોર્ટેશન સુવિધા શરૂ કરવાની મંજુરી આપવામાં આવી છે.

આ સુવિધા બાબતે વાત કરતા ઢસા કન્યા પ્રાથમિક શાળામાં ભણતી વિદ્યાર્થિનીઓએ જણાવ્યું હતું કે, અમારા ઘરેથી અમને શાળા સુધી પહોંચાડતી આ સુવિધાથી અમને ઘણો લાભ થાય છે. હવે અમે સમયસર શાળાએ પહોંચી શકીએ છીએ જેથી પરીક્ષા, કસોટી સમયે અમે સમયસર આપી શકીએ છીએ. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ગ્રામ્ય પંથકના વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ રેશીયો ઘટાડવામાં આ યોજના કારગત નીવડી છે. ધોધમાર વરસાદ, અતિશય ઠંડી, કાળઝાળ ગરમી જેવી પરિસ્થિતિમાં બાળકો માટે શાળાએ આવવું કપરું બનતું ત્યારે આ યોજનાને કારણે બાળકોને ઘરનાં ઉંબરેથી શાળાનાં પ્રવેશદ્વાર સુધી પહોંચાડતી સુવિધાને વાલીઓ પણ વધાવી છે.

Search
Recent News
Top Trending

Leave a Comment