by Imaran Jokhiya on | 2023-07-06 15:18:21
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 16
કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.જીન્સી રોયના અધ્યક્ષસ્થાને આગામી તા.૧૦ થી તા.૧૪ જુલાઇ,૨૦૨૩ દરમિયાન બોટાદ જિલ્લામાં ધો.૧૦ અને ધો.૧૨ ની પૂરક પરીક્ષાને અનુલક્ષીને જીલ્લા સ્થાયી પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી.
જિલ્લા કલેકટરશ્રીએ ઉક્ત બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે, બોટાદ જિલ્લામાં ધો.૧૦ અને ૧૨ ની પુરક પરીક્ષા યોજાવાની છે ત્યારે તમામ વિદ્યાર્થીઓ નિર્ભિકપણે પરીક્ષા આપી શકે તે માટે સુચારૂં આયોજન ઘડી કાઢવા જરૂરી સુચનો સાથે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. પરીક્ષા કેન્દ્રો ખાતે વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે પોલીસ બંદોબસ્ત અને આરોગ્યની ટીમો ઉપલબ્ધ રાખવા, દિવ્યાંગજનો માટે ગ્રાઉન્ડ ફ્લોરમાં જ પરીક્ષાની ખાસ વ્યવસ્થા કરવા, વિદ્યાર્થીઓને આવન-જાવનમાં કોઇ તકલીફ ન પડે તે માટે વધારાની એસ.ટી બસોની વ્યવસ્થા કરવાં તેમજ વિદ્યાર્થી, વાલી તેમજ શાળાને સરળતાથી માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લાકક્ષાએ રાઉન્ડ ધ ક્લોક હેલ્પલાઇન નંબર પણ કાર્યરત કરવા જરૂરી સુચનો કર્યાં હતાં.
પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટર ત્રિજ્યામાં આવેલા ઝેરોક્ષ/ફેકસનાં વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓના ઝેરોક્ષ તેમજ ફેકસ મશીનના ઉપયોગ પર પ્રતિબંધ, પરીક્ષા કેન્દ્રો પર મોબાઇલ ફોન, સ્માર્ટવોચ, બ્લુટુથ, ઈયરફોન, કેમેરા, લેપટોપ લઇ જવા પર પ્રતિબંધની સાથોસાથ પરીક્ષાના સમય દરમિયાન પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા થવાં પર પ્રતિબંધ રહેશે તેમ ઉક્ત બેઠકમાં જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, બોટાદ જિલ્લામાં ધોરણ ૧૦ માટે ૬ બિલ્ડીંગ અને ૫૫ બ્લોકની ફાળવણી કરાઈ છે. જેમાં ધોરણ ૧૦માં કુલ-૧૬૫૦ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે જ્યારે ધોરણ ૧૨ માં સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ માટે ૨૪ બ્લોકની ફાળવણી કરાઈ છે. જેમાં ધોરણ ૧૨માં સામાન્ય પ્રવાહના ૫૭૦ વિદ્યાર્થીઓ તથા વિજ્ઞાન પ્રવાહમાં ૧૦૦ વિદ્યાર્થીઓ પુરક પરીક્ષામાં બેસશે. આમ બોટાદ જિલ્લામાં ધો.૧૦-૧૨ માં કુલ ૭૯ બ્લોક ખાતે અંદાજિત કુલ- ૨,૩૨૦ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે તેમ જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાણીયા, નાયબ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, પોલીસ વિભાગ સહિત સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.