by Imaran Jokhiya on | 2023-07-07 13:50:23
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 16
જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાનિયાનાં અધ્યક્ષ સ્થાને આજરોજ ગઢડા તાલુકાના હરિપર તેમજ બોટાદ તાલુકાના તરઘરા અને જોટીંગડા અમૃત સરોવર ખાતેથી વીડિયો કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં આગામી સ્વતંત્રતા પર્વ 15મી ઓગસ્ટની ઉજવણીનાં ભાગરૂપે અમૃત સરોવરો ખાતે ધ્વજવંદનનાં કાર્યક્રમો યોજવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ વિષય પર જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ તમામ લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત 75 અમૃત સરોવર ખાતે ગત 26મી જાન્યુઆરીનાં પર્વ નિમિત્તે પણ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો ત્યારે આગામી 15મી ઓગસ્ટનાં પર્વ પર પણ અમૃત સરોવર ખાતે ધ્વજવંદનનો વિશેષ કાર્યક્રમ યોજવા માટે તમામ તૈયારીઓનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.
આ વીડિયો કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ બોટાદ જિલ્લાનાં અમૃત સરોવર ધરાવતાં ગામોમાં સરોવરની કામગીરીની ગુણવત્તા, અમૃત સરોવરનાં નિર્માણ બાદ ભૂગર્ભ જળસ્તરમાં થયેલો વધારો, જે સરોવરની કામગીરી પૂર્ણ થઇ ગઇ હોય ત્યાં સરોવરની સ્વચ્છતા, સુશોભન અને ઉપયોગીતા જેમકે, બોટિંગ, ફિશિંગ, કમળ-શિંગોડાની ખેતી, સિંચાઇ માટે પાણીનો ઉપયોગ થતો હોય તો લાભાર્થી ખેડૂતોની સંખ્યા બાબતે અને ગામનું સરોવરને તહેવાર અને વિવિધ ઉજવણીના સ્થળ તરીકે બનાવવા માટે સ્થાનિકો સાથે ચર્ચા કરી હતી. ડીડીઓશ્રીએ વડાપ્રધાનશ્રીની સંકલ્પના મુજબ અમૃત સરોવરને સુવિધાયુક્ત તેમજ સામાજિક સ્થળ બનાવવા માટે લેવા પાત્ર પગલાંઓ વિશે આયોજન બાબતે પણ ચર્ચા કરી હતી.
આ વીડિયો કોન્ફરન્સમાં હરિપર, જોટીંગડા તેમજ તરઘરા ગામના પંચાયત અધિકારીશ્રી અને પદાધિકારીશ્રી SHG આગેવાનશ્રી ,ખેડૂત આગેવાનશ્રી અને તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિત ગ્રામજનો જોડાયા હતા.