by Admin on | 2023-07-16 18:21:36
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 19
ભાલપંથક એવાં ગાંફ ગામનું રતન અને રાષ્ટ્રીય શાયરશ્રી ઝવેરચંદ મેઘાણી તેમજ કવિશ્રી બોટાદકરની પાવન ભૂમિ બોટાદને નિજ કર્મભૂમિ બનાવનાર, એવા જાણીતા ચિત્રકાર કૌશિકબાબુ રાઠોડ "નિર્દોષ" ચિત્રકળાના જગતમાં એક વિશિષ્ઠ અને સન્માનીય વ્યક્તિત્વ ધરાવતું નામ છે.બોટાદની આદર્શ શૈક્ષણિક સંકુલ ખાતે ચિત્ર શિક્ષક તરીકેની સેવા આપનાર શ્રી કૌશિકબાબુ રાઠોડને તાજેતરમાં, તેઓની કળાને પોંખવા ભાવસભર ભાવેણાની ધીંગી ધરા પર ઇસ્કોન ક્લબ ખાતે ત્રિપલ એ ક્રીયેશન દ્વારા સુંદર અને ભવ્યાતિભવ્ય "કલા ગૌરવ એવોર્ડ" સમારંભ યોજાયો હતો.જેમાં કૌશિકબાબુ રાઠોડને ગુજરાતનું ગૌરવ એવા શ્રી નિશા ચાવડા(મિસિસ ઇન્ડિયા વેસ્ટ) અને ભાવનગરના મેયરશ્રી કીર્તિબેન દાણીધારીયા,શ્રી મનિષભાઈ ઠાકર (આસી. કમિશ્નર ઓફ ઈન્ટેલિજન્સ),ભાવનગર શેઠ બ્રધર્સનાં શ્રી ગૌરવભાઈ શેઠ,ગુજરાત રાજપુત સમાજ સંકલન સમિતીનાં મહિલા પ્રમુખ શ્રી તૃપ્તીબા રાઓલ તેમજ અગ્રપંક્તિના મહેમાનોનાં વરદ હસ્તે "કલા ગૌરવ એવોર્ડ" આપી અલગ-અલગ બે કેટેગરીમાં બે એવૉર્ડથી નવાજવામાં આવ્યા હતા.
આ પહેલા પણ કૌશિકબાબુ રાઠોડને સ્થાનિક કક્ષાથી માંડીને રાષ્ટ્રીય કક્ષાના એકાધિક એવોર્ડથી સન્માનિત કરી તેમની ચિત્રકલા પ્રત્યેની સાધના અને ધગશના ઓવારણા લેવાયા છે. જેમાં બોટાદ ખાતે "બોટાદ ગૌરવ એવોર્ડ" આપી પુરસ્કૃત કરાયા છે. તદ્ઉપરાંત ચિત્ર સાધના માટે વર્ષ 2021 નો ભારતનાં શ્રેષ્ઠ ચિત્રકાર અને કલાગુરુ "ઇન્ડિયાઝ બેસ્ટ આર્ટીસ્ટ એન્ડ આર્ટ માસ્ટર એવોર્ડ" થી પણ સન્માનિત કરાયા છે. થોડા સમય પહેલા જ તેઓ "અંજુ- નરશી વિશિષ્ટ કલા પ્રતિભા સન્માન" જેવા પ્રતિષ્ઠિત સન્માનનાં પોતાની કલાસાધના થકી હક્કદાર બન્યાં છે. વળી, તેમને 2022 ના વર્ષના "ભારત કલારત્ન એવોર્ડ" થી પણ નવાજવામાં આવ્યા છે અને મેજીક બુક ઓફ રેકોર્ડ માં તેમનું નામ અંકિત કરી ગોલ્ડ મેડલ, ગોલ્ડ પ્લેટેડ પ્રશસ્તિપત્ર તેમજ ગોલ્ડ પ્લેટેડ ટ્રોફી એનાયત કરવામાં આવી છે.
ચિત્રકળાના ખરા સાધક, ચિત્રકળા સાથે અદ્વૈતભાવે પોતાની જાતને જોડનાર,રંગ,રેખા અને પીંછી દ્વારા રંગોની દુનિયાના સર્જક, પોતાની ચિત્રકળાના જ્ઞાન થકી એકાધિક વિદ્યાર્થીઓને શિક્ષિત અને દિક્ષિત કરી ખરા અર્થમાં પથદર્શક બન્યાં છે કૌશિક બાબુ રાઠોડ માત્ર બોટાદ જ નહીં પરંતુ, સમગ્ર ગુજરાત અને ભારતવર્ષનું એક અણમોલ અને મહામૂલું રતન તેમજ ગૌરવ છે.