by Admin on | 2023-08-08 09:48:22
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 18
બોટાદ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે સમગ્ર જિલ્લામાં નિ:સંતાન વૃદ્ધો માટે અનોખી પહેલ “હેલો પોલીસ”નો શુભારંભ કર્યો છે. નિ:સંતાન વૃદ્ધોને તમામ પ્રકારની મદદ મળી રહે તે માટે હેલ્પલાઈન નંબર 7043434312 કાર્યરત કરવામાં આવ્યો છે. આ અભિનવ પહેલની જાણકારી આપવા માટે બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીએ પત્રકાર પરિષદ સંબોધી હતી.
“હેલો પોલીસ” પહેલ વિશે માહિતી આપતા બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી ડો. જીન્સી રોયે જણાવ્યું કે, “હેલો પોલીસ” બોટાદ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસનો નવતર પ્રયોગ છે. જિલ્લામાં સર્વે કરી 610 જેટલા નિ:સંતાન વૃદ્ધોની યાદી તૈયાર કરવામાં આવી છે. સમયાંતરે પોલીસ વિભાગના કર્મચારીઓ આ વૃદ્ધોની મુલાકાત લઈ તેમના ખબર-અંતર પૂછશે અને તેમને જરૂરી મદદ કરશે. એકલા રહેતા નિ:સંતાન વૃદ્ધોને કોઈપણ પ્રકારની તકલીફ ન થાય તે માટે હેલ્પલાઈન નંબર 7043434312 કાર્યરત કરાયો છે. કોઈપણ મુશ્કેલીના સમયે આ નંબર પર ફોન કરી પોલીસ કંટ્રોલરૂમ સુધી પોતાનો સંદેશ પહોંચાડી તેઓ મદદ માંગી શકશે.જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ જરૂરિયાતમંદોની મદદ માટે હંમેશા તૈયાર છે.
આ નવતર પ્રયોગ વિશે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી કિશોરભાઈ બલોલિયાએ જણાવ્યું કે, જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન કરી જિલ્લા પોલીસે “હેલો પોલીસ” પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જે વૃદ્ધો નિ:સંતાન છે તેમની સેવામાં પોલીસ વિભાગ સતત કાર્યરત છે. પોલીસ સ્ટેશનના બે કર્મચારીઓ તૈયાર કરાયેલી નિ:સંતાન વૃદ્ધોની યાદી મુજબ તેમની દર અઠવાડિયે મુલાકાત લેશે. અમે દરેક મદદ પૂરી પાડવા તમામ પ્રયાસો કરીશું.
જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી મુકેશભાઈ પરમાર તેમજ વિવિધ માધ્યમોના મીડિયા કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.