GUJARAT BOTAD

બોટાદ ખાતે આયોજિત રાખી મેળામાં સ્વ સહાય જૂથની ગ્રામીણ મહિલાઓ દ્વારા ઉત્પાદિત કલાત્મક રાખડીઓનો ખજાનો

by Admin on | 2023-08-25 15:30:37

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 131


બોટાદ ખાતે આયોજિત રાખી મેળામાં સ્વ સહાય જૂથની ગ્રામીણ મહિલાઓ દ્વારા ઉત્પાદિત કલાત્મક રાખડીઓનો ખજાનો

બોટાદ જિલ્લામાં વિવિધ આયોજનો થકી મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવાનો સરાહનીય પ્રયાસ

રક્ષાબંધનના તહેવાર નિમિત્તે બોટાદ જિલ્લાના વિવિધ સ્વ સહાય જૂથોનાં બહેનો દ્વારા ઉત્પાદિત વસ્તુઓના વેચાણને પ્રોત્સાહન મળે રહે તે હેતુથી દીનદયાળ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લી (GLPC) તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઉપક્રમે અનોખું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત બોટાદ શહેરના બસ સ્ટેન્ડ પાસે રાખી મેળાનું આયોજન કરી સ્વ સહાય જૂથની ગ્રામીણ મહિલાઓને પ્રોત્સાહિત કરવા ઉમદા પ્રયાસ કરાયો છે. 


ભાઈ-બહેનના પ્રેમનું પ્રતિક મનાતું રક્ષાબંધનનું પર્વ નજીક આવી રહ્યું છે, ત્યારે બોટાદવાસીઓને ગ્રામીણ સ્વ સહાય જૂથો(સખી મંડળ)ની બહેનો દ્વારા ઉત્પાદિત કલાત્મક રાખડીઓ તેમજ વિવિધ ચીજ વસ્તુઓની ખરીદી માટેની ઉત્તમ તક ઘર આંગણે જ મળી છે. NRLM યોજના અંતર્ગત રાખી મેળા-૨૦૨૩નો નિયામકશ્રી મકવાણાનાં હસ્તે શુભારંભ કરવામાં આવ્યો. જિલ્લાની સ્વ સહાય જૂથોની બહેનોની આત્મનિર્ભરતા માટેનો આ પ્રયાસ સરાહનીય છે. આ રાખી મેળામાં વિવિધ કલાત્મક રાખડીઓ સાથોસાથ ગીફ્ટ આર્ટીકલ્સ, હેન્ડલુમ અને હેન્ડીક્રાફટ સહિતની વસ્તુઓ પણ ઉપલબ્ધ છે, જે બોટાદવાસીઓ માટે નવલું નઝરાણું બની રહ્યું છે. 


આ રાખી મેળામાં કલાત્મક રાખડીઓના વેચાણ અર્થે આવેલા પ્રકાશ સ્વ સહાય જૂથ, બરવાળાના જયાબેન જણાવે છે કે, “બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અહીં હું અમારા સખી મંડળની બહેનો સાથે અમે જાતે બનાવેલી રાખડીઓ લઈને આવી છું. અમારા સખી મંડળની બહેનો ખૂબ જ મહેનતથી રાખડીઓ બનાવે છે અને અમને અહીં સારૂં બજાર પણ મળી રહે છે જેથી અમને સારી આવક થઈ રહી છે.”


રાણપુરથી જીલાની સ્વ સહાય જૂથના યાસ્મીનબેને પોતાનો અનુભવ વર્ણવતા જણાવ્યું કે, “અમને બોટાદમાં ખૂબ સારી તક મળી છે. અમે અહીં જાતે બનાવેલી રાખડીઓનું વેચાણ કરીએ છીએ. જિલ્લા વહીવટી તંત્રએ અમારી વસ્તુઓને ખૂબ સારૂં બજાર મળી રહે તે માટે બોટાદ બસ સ્ટેન્ડ બહાર જ આ પ્રકારની સુંદર વ્યવસ્થા કરી છે, જેથી અહીં આવતા-જતાં મુસાફરો તેમજ અન્ય સ્થાનિકો આ રાખી મેળાની ચોક્કસ મુલાકાત લે છે અને તેના હિસાબે અમારે સારૂં વેચાણ થઈ રહ્યું છે. હું અમારા જૂથ વતી જિલ્લા વહીવટી તંત્રનો આભાર માનું છું.”

બોટાદ જિલ્લામાં ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ગ્રામ્ય વિસ્તારની બહેનોને સ્વ સહાય જૂથના માધ્યમથી સંગઠિત કરીને સખી મંડળો બનાવી અને તેમને આર્થિક પ્રવૃત્તિઓ સાથે જોડવામાં આવે છે. સખી મંડળો દ્વારા પૈસાની બચતની સાથે આર્થિક ઉપાર્જન થકી બહેનોને આર્થિક રીતે પગભર કરવામાં આવી રહી છે. તો છેને આ રાખી મેળાની સાથે સખી મેળો પણ!

Search
Recent News
Top Trending

Leave a Comment