GUJARAT BOTAD

જિલ્લા કલેક્ટરશ્રી ડો.જીન્સી રોયએ આર.એમ.પી બેરીંગ્સ, રાણપુરના સૌજન્યથી જિલ્લાવાસીઓને 4 ટેલીસ્કોપની આપી ભેટ

by Admin on | 2023-08-30 11:23:53

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 277


જિલ્લા કલેક્ટરશ્રી ડો.જીન્સી રોયએ આર.એમ.પી બેરીંગ્સ, રાણપુરના સૌજન્યથી જિલ્લાવાસીઓને 4 ટેલીસ્કોપની આપી ભેટ

આર.એમ.પી. બેરીંગ્સ કંપનીના સહયોગથી ચાર ટેલીસ્કોપ ઈન્સ્ટોલ કરાયા: બોટાદવાસીઓ તેમજ વિદ્યાર્થીઓ માટે આ નવતર પ્રયોગ ફળદાયી રહેશે: કલેક્ટરશ્રી

  બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી ડો. જીન્સી રોયના અધ્યક્ષસ્થાને જિલ્લા બાળ સુરક્ષા એકમ અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી દ્વારા પાલક માતા-પિતા યોજનાના લાભાર્થી બાળકો સાથે “સંવેદના કાર્યક્રમ” યોજાયો હતો. કાર્યક્રમમાં કલેક્ટરશ્રીના હસ્તે પાલક માતા-પિતા યોજનાના મંજૂરી આદેશ તેમજ આ યોજના સાથે સંકળાયેલા બાળકોને પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આર.એમ.પી બેરીંગ્સ, રાણપુરના સૌજન્યથી જિલ્લામાં ટેલીસ્કોપનું સંસ્થાઓને વિતરણ કરવામાં આવ્યું હતું. 


        કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, “હું આજે ખુશી સાથે ગર્વની લાગણી અનુભવી રહી છું. બોટાદ જિલ્લો ભલે વિસ્તારની દ્રષ્ટિએ નાનો હોય, પરંતુ આ જિલ્લાના લોકોના સપનાઓ ખૂબ મોટા છે. આજે એક સાથે બે પ્રોજેક્ટ સાકાર થવા જઈ રહ્યા છે. જે પૈકી પહેલો પ્રોજેક્ટ છે પાલક માતા-પિતા યોજનામાં અપગ્રેડેશન. જિલ્લા વહીવટી તંત્રના તમામ વિભાગો યોજનાકીય લાભો લાભાર્થીઓને મળી રહે તે માટે સતત કાર્યરત છે ત્યારે જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા પાલક માતા-પિતા યોજના અને ચિલ્ડ્રન ઈન સ્ટ્રીટ સિચ્યુએશન સાથે સંકળાયેલા બાળકોના મોનીટરીંગની પણ વ્યવસ્થા કરાઈ છે. જેમાં બાળકોના અભ્યાસ અને સ્વાસ્થ્યની દરકાર રાખવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટમાં શ્રીજી એજ્યુકેશન ટ્રસ્ટ પણ સંકળાયેલું છે અને 80 ગામોમાં આ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. બાળકોના શિક્ષણ સાથે તેમનો માનસિક વિકાસ પણ અતિ આવશ્યક બાબત છે. ત્યારે ‘સ્વસ્થ, સુરક્ષિત અને શિક્ષિત બાળક’ની નેમ સાથે આપણે સૌ કાર્યરત છીએ. જેનું સારૂં પરિણામ મળશે જ તેવી મને આશા છે.”


        વધુમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, આજે આર.એમ.પી. બેરીંગ્સ કંપનીના સહયોગથી આપણાં જિલ્લામાં એકસાથે ચાર-ચાર ટેલીસ્કોપ ઈન્સ્ટોલ કરવામાં આવ્યા છે. બોટાદવાસીઓ તેમજ ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આ નવતર પ્રયોગ ફળદાયી રહેશે. કલેક્ટરશ્રીએ પોતાના બોટાદ જિલ્લામાં આગમનના સમયને યાદ કરતા જણાવ્યું હતું કે, “જ્યારે હું બોટાદ જિલ્લામાં ફરજ પર જોડાઈ ત્યારે મારી સીધી નજર વિકાસની શક્યતાઓ પર ગઈ હતી. જે માટે મને આર.એમ.પી બેરીંગ્સ કંપની સહિતની સ્થાનિક સંસ્થાઓ અને કંપનીનો સતત સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે.”


             અત્રે ઉલ્લેખનીય છે કે, બોટાદ જિલ્લાવાસીઓને જિલ્લા કલેક્ટરશ્રી ડો.જીન્સી રોયએ આર.એમ.પી બેરીંગ્સ, રાણપુરના સૌજન્યથી 4 ટેલીસ્કોપની ભેટ આપી છે. કલેક્ટરશ્રીની આ આગવી પહેલથી હવે નાના-મોટાં સૌ-કોઇ આકાશમાં આકાર પામતી ખગોળીય ઘટનાઓ, તારાઓ, ઉપગ્રહો, ગ્રહો તેમજ ચંદ્રને ટેલિસ્કોપનાં માધ્યમથી ધ્યાનપૂર્વક નિહાળી શકશે. બોટાદ જિલ્લાની ૩ સંસ્થાઓને મહાનુભાવોના હસ્તે ટેલિસ્કોપ અર્પણ કરવામાં આવ્યા હતા. બોટાદ જિલ્લામાં સરકારી વસાહત ખાતે, પાળિયાદ વિસામણ બાપુની જગ્યા ખાતે, સાળંગપુરમાં બી.એ.પી.એસ. મંદિરનાં પ્રાંગણમાં તો ગઢડામાં પણ સ્વામિનારાયણ મંદિર ખાતે આ ટેલિસ્કોપ હવે ઉપલબ્ધ બનશે.


           કાર્યક્રમમાં નાયબ નિયામકશ્રી, અનુસુચિત જાતિ કલ્યાણ અને જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી, વિકસતી જાતિ કલ્યાણ દ્વારા ઉપસ્થિત લોકોને ઉચ્ચ શિક્ષણ માટે શિષ્યવૃત્તિ યોજના, હોસ્ટેલમાં રહેતી દીકરીઓ માટેની યોજના, ફ્રીશીપ કાર્ડ અંગેની માહિતી, કુંવરબાઈનું મામેરૂં અને સાત ફેરા સમુહલગ્ન યોજના સહિતની વિવિધ યોજનાઓ વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથોસાથ કાર્યક્રમમાં રોજગાર વિનિમય કચેરી દ્વારા રોજગારલક્ષી કારકિર્દી માર્ગદર્શન, સમાજ સુરક્ષા કચેરીના અધિકારીશ્રી દ્વારા બાળ લગ્ન અધિનિયમ-2006 વિશે માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં સુરક્ષા અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા પાલક માતા-પિતા યોજના અને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના લાભાર્થી દીકરીઓ માટેની લગ્ન સહાય યોજના વિશે જાણકારી પૂરી પાડવામાં આવી હતી.


          કાર્યક્રમમાં શ્રીજી એજ્યુકેશન અને સેવા ટ્રસ્ટ, ઢસા દ્વારા ઉપસ્થિત લોકોને દીકરીઓ માટેના ‘ગુડ ટચ-બેડ ટચ’ અંગે વીડિયો ક્લિપનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 


           મહેમાનોનું શાબ્દિક સ્વાગત જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી એસ.એલ.ડવ દ્વારા કરવામાં આવ્યું હતું. બોટાદના નાનાજી દેશમુખ ઓડીટોરીયમ હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાનિયા, નિવાસી અધિક કલેક્ટર શ્રી મુકેશભાઈ પરમાર, નાયબ કલેક્ટર સુશ્રી રાજેશ્રીબેન વંગવાણી, સમાજ કલ્યાણ અધિકારીશ્રી રાજ્યગુરૂ, સહાયક માહિતી નિયામકશ્રી રાધિકાબેન વ્યાસ, સમાજ સુરક્ષા અધિકારીશ્રી જાડેજા સહિતના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ તથા બોટાદવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Search
Recent News
Top Trending

Leave a Comment