GUJARAT BOTAD

બાળકોને મજા પડે તેવી કાલીઘેલી વાતોમાં જ્ઞાન અને હસતાં-ખેલતાં શિક્ષણ આપતા બોટાદના સુભાષચંદ્ર બોઝ પ્રાથમિક શાળા નં-13ના અનોખા શિક્ષકો

by Admin on | 2023-09-04 12:00:51

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 87


બાળકોને મજા પડે તેવી કાલીઘેલી વાતોમાં જ્ઞાન અને હસતાં-ખેલતાં શિક્ષણ આપતા બોટાદના સુભાષચંદ્ર બોઝ પ્રાથમિક શાળા નં-13ના અનોખા શિક્ષકો

ભાવિ પેઢી માટે નિશાળ ઉછેર-ઘડતરનું ફળિયું છે, ત્યાંથી મળતા ‘પાઠ’ જીવતર અને સંસ્કારની દિશા બતાવે

નાનકડી પગલીઓથી જે પરિસર ગુંજી ઉઠે, ભાવિ પેઢી માટે નિશાળ ઉછેર-ઘડતરનું ફળિયું છે, ત્યાંથી મળતા ‘પાઠ’ સૌને જીવતર અને સંસ્કારની દિશા બતાવે છે. જ્યારે બાળકને નિશાળ ઘરથી પણ વધારે વહાલી લાગે ત્યારે જ તે બાળક નિશાળે જઈ શિક્ષણ મેળવી ઉન્નત રાષ્ટ્રના સર્જનમાં ભાગ આપી શકે. શાળામાં મહત્વપૂર્ણ જવાબદારી નિભાવતા શિક્ષકોનું વિદ્યાર્થીના જીવનઘડતરમાં  મહત્વનું યોગદાન રહેલું છે. આજે શિક્ષકો બાળકોને અલગ અલગ ઇનોવેટીવ આઈડિયાથી શિક્ષણ આપવા પ્રયાસ કરી રહ્યા છે. 

"બાળકોને કેળવવાની જવાબદારી" નિભાવતા શિક્ષકો આજે બાળકો સાથે તેમના જેવડાં બનીને હસતા રમતા તેઓને જીવનના મૂલ્યો શીખવી રહ્યા છે. શ્રી ઉમાશંકરે કહેલું કે, “વિદ્યાર્થી તો ખેડેલાં ખેતરો જેવા છે. શિક્ષકને ખબર હોવી જોઈએ કે એમાં એણે શું વાવવાનું છે!” ત્યારે આજે આપણે વાત કરવાના છીએ બોટાદની આવી જ એક શાળાના અનોખા શિક્ષકો વિશે, જ્યાં બાળકોને મજા પડે તેવી કાલીઘેલી વાતોમાં જ્ઞાન અને હસતાં-ખેલતાં શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, આ શાળા એટલે બોટાદ શહેર વચ્ચે આવેલી  સુભાષચંદ્ર બોઝ પ્રાથમિક શાળા નં-13 જ્યાં શિક્ષકો બાળકો માટે તેમના મિત્ર છે... 

સૌપ્રથમ મળીએ સુભાષચંદ્ર બોઝ શાળાનાં શિક્ષકશ્રી રમેશભાઇ બારૈયાને કે જેઓએ નગરપાલિકા શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવ્યો છે. રમેશભાઇએ બાળકો માટે ગણનજ્ઞાન અને તર્કશક્તિ વધારતું વેસ્ટમાંથી બેસ્ટ કોર્નર બનાવ્યું છે જેના થકી ધોરણ એક અને બેમાં અભ્યાસ કરતાં નાનકડાં બાળકો ગમ્મત સાથે જ્ઞાન મેળવી રહ્યા છે. 


રમેશભાઈએ પોતાના ધોરણ ૧ અને ૨માં અભ્યાસ કરતા નાના - નાના ભૂલકાઓને એવી તો સરસ મજાની કેળવણી આપે છે કે, જો ક્લાસરૂમમાં જઇને એવું પૂછવામાં આવે કે, એકડાં કોણ લખશે કે મહિનાના નામ કોણ બોલશે તો તમામે તમામ બાળકો આંગળી ઉંચી કરી આગળ આવવા તત્પર હોય. આ શાળાના બાળકો સ્ટેજ પર આવીને બોલતા, લખતા કે કોઈપણ બાબત સમજાવતા બિલકુલ ખચકાતા નથી. ધોરણ એકથી જ તમામ બાળકોને સ્ટેજ પર આવી બોલવાનો ડર દૂર કરવા શાળાના શિક્ષકો દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે. જેના પરિણામે ધોરણ એક અને બેના બાળકો પણ ખૂબ જ ઉત્સાહ સાથે પોતાની રજૂઆત કરી શકે છે. 


શાળાનાં અન્ય શિક્ષક રત્નાકરભાઇ નાંગર ચિત્રકૂટ એવોર્ડ સહિત અનેક પારિતોષિક વિજેતા છે. તેઓએ અત્યારસુધીમાં શિક્ષણક્ષેત્રને લગતાં 22 પુસ્તકો પણ લખ્યાં છે. જેમાં બાળવાર્તાઓ, પાઠ્ય પુસ્તક સંપાદન સહિતનાં વિષયોનો સમાવેશ થાય છે. રત્નાભાઇ લેખક અને કવિ તો છે જ સાથોસાથ સારામાં સારા વાર્તાકાર પણ છે તેમણે અનેક વખત રાજ્યસ્તરે બોટાદ જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું છે. બાળકોને ભણાવવાની તેમની રીત અનોખી છે. તેઓ બાળકો સાથે વાતો કરતાં કરતાં તેમને જ્ઞાન વિજ્ઞાનના પાઠ ભણાવે છે જેથી બાળકોને ભણવાની મજા પડે છે. તેઓ ક્લાસરૂમમાં માત્ર શિક્ષણ જ નહિ પરંતુ ઈતર પ્રવૃતિઓને પણ એટલું જ મહત્વ આપે છે. 



રાજ્યકક્ષાએથી લેવાતી એન.એમ.એમ.એસ. અને સેટ સહિતની પરીક્ષાઓમાં આ શાળાનાં વિદ્યાર્થીઓનું પરિણામ સારું છે જેની માટે શાળાનાં શિક્ષકો સંજયભાઇ, સુરેશભાઇ અને ધીરજભાઇ શાળા સિવાયનાં સમયે બાળકોને વિવિધ પરીક્ષાની તૈયારી કરાવે છે.


આ શાળાનાં આચાર્યશ્રી ભાવેશભાઇ જોટાંગણાએ જણાવ્યું હતું કે, “અમારી શાળામાં અંદાજે 400 બાળકો અભ્યાસ કરે છે, શાળાનો સમગ્ર સ્ટાફ ખૂબ જ ઉત્સાહી છે. બાળકોને ટેક્નોલોજી સાથે શિક્ષણ આપવા માટે શાળામાં 5 જ્ઞાનકુંજ સ્માર્ટબોર્ડ છે. ઉપરાંત સરકારશ્રી દ્વારા શાળામાં આધુનિક કમ્પ્યૂટર લેબ, વાંચનાલયની સુવિધા પણ આપવામાં આવી છે જેનો બાળકો લાભ લઇ રહ્યાં છે. શિક્ષકો બાળકો સાથે ઓતપ્રોત થઇ શિક્ષણ આપે છે, જેથી બાળક સરળતા અને સહજતાથી શીખી શકે છે.” 


રાજ્ય સરકાર દ્વારા પ્રત્યેક શાળામાં બાળકો તમામ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે અને કૌશલ્યપૂર્ણ શિક્ષણ મેળવી શકે તે માટેનાં સતત પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. શિક્ષકો બાળકોને અનોખી રીતે શિક્ષણ આપી તેમના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે.


Search
Recent News
Top Trending

Leave a Comment