GUJARAT BOTAD

પાલક માતા-પિતા યોજનાથી માધુભાઈ અને તેમના પત્નીને મળ્યો વૃદ્ધાવસ્થાનો સોનેરી સંગાથ

by Admin on | 2023-09-21 14:09:20

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 461


પાલક માતા-પિતા યોજનાથી માધુભાઈ અને તેમના પત્નીને મળ્યો વૃદ્ધાવસ્થાનો સોનેરી સંગાથ

મારી દીકરી તો ઈશ્વર પાસે જતી રહી, પરંતુ અમને જીવનભરનો સંગાથ કૃપાલને આપતી ગઈ... પાલક માતાપિતા યોજનાના સથવારે અમે તેનો ઉછેર કર્યો અને એમ.બી.બી.એસ. સુધી પહોંચાડ્યો

સરકારશ્રીની લોકકલ્યાણકારી યોજનાઓથી લોકોના જીવનમાં મહામૂલુ પરિવર્તન આવ્યું હોય તેવા અનેક કિસ્સાઓ આપણે રોજબરોજ જોઈ રહ્યા છીએ...વિવિધ યોજનાઓ થકી નાગરિકોના જીવનમાં પ્રકાશના અજવાળા ફેલાયા હોય અને તેમના જીવનમાં નવો સૂર્યોદય થયો હોય તેવી અનેક ઘટનાઓના સાક્ષી આપણે બન્યા છીએ, આજે વાત આવા જ એક કિસ્સાની, એક એવા લાભાર્થીની, કે જેમના જીવનમાં તો સરકારની યોજનાથી પરિવર્તન આવ્યું જ છે, સાથેસાથે તેમને જીવન જીવવા માટેનો ટેકો, વૃદ્ધાવસ્થાનો સોનેરી સંગાથ પણ મળ્યો છે.

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ટાટમ ગામના વતની આ છે માધુભાઈ ભીખાભાઈ નાંદરીયા, માધુભાઈના દીકરી અને જમાઈ 10 વર્ષ અગાઉ અવસાન પામ્યા હતા. હવે આ વૃદ્ધ માતા-પિતાનું કોણ? તેવો પ્રશ્ન રાતદિવસ માધુભાઈ અને તેમના પત્નીને સતાવતો હતો. દીકરીના 10 વર્ષના પુત્રની જવાબદારી હવે માધુભાઈ પર આવી ગઈ હતી. પરંતુ સરકારશ્રીની પાલક માતા-પિતા યોજનાના સહારે માધુભાઈએ આ જવાબદારીને હસ્તા હસ્તા નીભાવી અને તેને પુત્રની માફક ઉછેરી એમ.બી.બી.એસ. સુધી પહોંચાડ્યો.

                જૂની સ્મૃતિઓને યાદ કરતા માધુભાઈની લાગણીઓ શબ્દ થકી તો વ્યક્ત કરવી અશક્ય છે, પરંતુ તેમણે તેમના શબ્દોમાં સરકારનો આભાર માનતા કહ્યું કે, “હું ભાગીરથી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના સંચાલક તરીકે ફરજ બજાવું છું, માતા-પિતા વિહોણા બાળકો માટેની યોજના અંતર્ગત બાળ સુરક્ષા એકમ- બોટાદ દ્વારા ખરેખર પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે. આ યોજના મારા પરિવાર માટે આશીર્વાદ બનીને આવી હતી. 10 વર્ષ અગાઉ મારી દીકરીનું નિધન થતા તેમના દીકરા કૃપાલને મેં તથા મારા પત્નીએ દત્તક લીધો હતો અને આ યોજનાના સંગાથે દર મહિને અમને રૂ. 3 હજાર સહાય પેટે મળતા હતા. તેનાથી અમને ખૂબ આર્થિક સહાય થઈ અને આજે મારો કૃપાલ એમ.બી.એસ.એસ.માં અભ્યાસ કરી રહ્યો છે.”

નાનપણથી જ ભણવામાં તેજસ્વી કૃપાલ હાલ વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં એમ.બી.બી.એસ.માં અભ્યાસ કરી રહ્યો છે, કૃપાલ નાના-નાનીનો દોસ્ત બનીને એક દીકરાની જેમ હાલ વૃદ્ધ માધુભાઈ અને તેમના પત્નીનો સંગાથ બન્યો છે. 

સામાજિક ન્‍યાય અને અધિકારિતા વિભાગ હેઠળના સમાજ સુરક્ષા પ્રભાગ હેઠળની અનાથ બાળકોની સંભાળ માટે પાલક માતા-પિતા યોજના અમલમાં છે. બાળકની ઉંમર 18 વર્ષની થાય ત્‍યાં સુધી પ્રતિ બાળક ત્રણ હજાર રૂપિયાની માસિક નાણાકીય સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ 0 થી 18 વર્ષની ઉંમરના અનાથ નિરાધાર બાળકો, જેના પિતા મૃત્‍યુ પામેલા હોય અને માતાએ પુનઃલગ્ન કરેલા હોય તેવા બાળકો મેળવી શકે છે. બોટાદ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી સુભાષભાઈ ડવના નેતૃત્વ હેઠળ કર્મઠ કર્મયોગીઓની ટીમ કાર્યરત છે. ‘બાળકો માટે સુરક્ષાના અધિકાર’ અને ‘બાળકના શ્રેષ્ઠ હિત’ના મધ્યવર્તી સિદ્ધાંતો પર બાળ સુરક્ષા એકમ કેન્દ્રિત છે. ત્યારે બોટાદ જિલ્લામાં બાળ સુરક્ષા એકમ દ્વારા માધુભાઈ જેવા અનેક લાભાર્થીઓ માટે પ્રકાશના ઓજસ પાથરતા ઉમદા કાર્યો કરવામાં આવી રહ્યા છે.

Search
Recent News
Top Trending

Leave a Comment