GUJARAT BOTAD

બોટાદ જિલ્લામાં કપાસના પાકમાં સુકારાનો રોગ આવતા ખેડૂતો મુશ્કેલીમાં

by Admin on | 2023-09-23 14:12:12

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 19


બોટાદ જિલ્લામાં કપાસના પાકમાં સુકારાનો રોગ આવતા ખેડૂતો મુશ્કેલીમાં

સરકાર દ્વારા સર્વે કરી વળતર આપવામાં આવે તેવી માગ

બોટાદ જિલ્લો ખેતી પ્રધાન જિલ્લો છે. જિલ્લામાં મુખ્ય હિરા અને ખેતી સાથે લોકો સંકળાયેલા છે. જ્યાં સૌથી વધારે કપાસની ખેતી કરવામાં આવે છે ત્યારે સોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થયો, પરંતુ જ્યારે ખેતીના પાકને પીયતની જરૂર પડી ત્યારે વરસાદ ખેચાણો છે. સાથે કપાસના પાકમાં સુકારો આવ્યો છે. જેના કારણે ધીમેધીમે સારો કપાસ ઉભો બળી જાય છે અને ખેડૂતોએ કરેલી મહેનત હાલ પાણીમાં જઈ રહી છે અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

બોટાદ જિલ્લામાં ખેડૂતની ચિંતામાં વધારો થયો છે. બોટાદ જિલ્લામાં મુખ્યત્વે કપાસના પાકનું વાવેતર કરવામાં આવે છે. આશરે 1 લાખ 60 હજાર હેકટરમાં કપાસનું વાવેતર થયું છે. તેમજ 6 હજાર હેકટરમાં મગફળી, 5 હજાર હેકટરમાં તલ સહિત અન્ય ઘાસ તેમજ શાકભાજીના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે ચાલુ વર્ષ દરમિયાન સોમાસાની શરૂઆતમાં વધુ વરસાદ નોંધાયો છે અને જ્યારે વરસાદની જરૂર છે ત્યારે હાલ વરસાદે વિરામ લીધો છે. ભાદરવા મહિનામાં તાપનું પ્રમાણ વધારે હોય છે તેની સામે વરસાદ ન થતા કપાસના પાકની અંદર સુકારો આવ્યો છે. કપાસનો તૈયાર થયેલો ઉભો છોડ સુકાવા લાગ્યો છે. જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

બોટાદ જિલ્લાના બોટાદ, ગઢડા, બરવાળા, રાણપુર આમ ચારેય તાલુકામાં સૌથી વધારે ખેડૂતો કપાસનું વાવેતર કરે છે. કપાસના વાવેતર દરમિયાન દવા, ખાતર સહિત એક વિઘામાં 10થી 15 હજારનો ખર્ચ કરવામાં આવતો હોય છે અને દિવસ રાત મહેનત બાદ એક વિઘામાં 25થી 30 હજાર રૂપિયા કમાવવાની ખેડૂતોને આશા હોય છે. ત્યારે વરસાદે વિરામ લીધો છે અને માથે કપાસમાં સુકારાનો રોગ આવ્યો છે. જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. કુદરત તો રુઠીયો છે, પરંતુ સરકાર દ્વારા તાત્કાલિક જિલ્લામાં સર્વે હાથ ધરી ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે.

બોટાદ જિલ્લાના ખેડૂત આગેવાન ઈંદ્રસિંહ રાયજાદાએ જણાવ્યું હતું કે, સમગ્ર બોટાદ જિલ્લામાં સૌથી વધારે કપાસની ખેતી કરવામાં આવે છે. ત્યારે સોમાસાની શરૂઆતમાં વરસાદ સારા પ્રમાણમાં નોંધાયો છે, પરંતુ હાલ પાકને વરસાદની જરૂરીયાત છે. ત્યારે વરસાદે વિરામ લીધો છે અને ભાદરવા મહિનામાં તાપનુ પણ પ્રમાણ વધારે હોય છે. તેમજ થોડાક દિવસો પહેલા જે વરસાદી છાંટા પડેલા તેના કારણે કપાસના પાકમાં સુકારો આવ્યો છે. જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. સરકાર તાત્કાલિક બોટાદ જિલ્લામાં સર્વે કરી સહાય આપે તેમ ખેડૂતો ઈચ્છી રહ્યાં છે.

Search
Recent News
Top Trending

Leave a Comment