GUJARAT BOTAD

બોટાદના ગઢડા તાલુકાના રળીયાણા ગામમાં ખીલી ઉઠશે ચંદનની ખુશ્બુ

by Admin on | 2023-12-27 15:33:39

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 66


બોટાદના ગઢડા તાલુકાના રળીયાણા ગામમાં ખીલી ઉઠશે ચંદનની ખુશ્બુ

ચંદનની ખેતીમાં ઓછાં ખર્ચે અને લાંબા સમયે નફો મળે છે : ખેડૂત વશરામભાઇ

બોટાદ જિલ્લાના મોટાભાગના ખેડૂતો કપાસ, મગફળી સહિત અન્ય પાકોનું વાવેતર કરીને આવક મેળવે છે બસ એ જ રીતે હું પણ આ જ પાકોનું પરંપરાગત રીતે વાવેતર કરીને આવક રળતો હતો પરંતુ વર્ષના અંતે હિસાબ કરીએ તો વધુ ખર્ચે ઓછી આવક મળતી હતી. તો વધુ આવક મેળવવા શું કરી શકાય ? બસ આ જ વિચાર સાથે મે મન સાથે સમાધાન નહિ પરંતુ મક્કમ નિર્ણય લીધો કે મારે પરંપરાગત ખેતીને બદલે કંઈક અલગ ખેતી કરવી છે તેના માટે મેં ઘણા પ્રગતિશીલ ખેડૂતો સાથે ચંદનની ખેતી કરવા અંગેનો વિચાર રજૂ કર્યો તેમાથી મોટાભાગના લોકોએ હકારાત્મક અભિગમ દાખવ્યો અને તે વિચારને અમલમાં મુકીને ચંદનની ખેતી કરીને એક નવતર પ્રયોગ આદર્યો છે.....આ શબ્દો છે છ ધોરણ ભણેલા બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રળીયાણા ગામના ખેડૂત વશરામભાઇ વીરાણીના...


                   વશરામભાઈ વીરાણીએ જણાવ્યું હતું કે, ૧૫ વીઘાના ખેતરમાં મે લાલ અને સફેદ ચંદનનાં આશરે ૧૫૦૦ જેટલાં છોડનું વાવેતર કર્યું છે. આ ચંદનની ખેતીમાં અન્ય કોઈપણ પ્રકારનો ખર્ચો કરવામાં આવતો નથી, તેમજ ઉનાળાની ઋતુમાં માત્ર પિયત કરવાની જરૂર પડે છે. લાલ ચંદન અને સફેદ ચંદનનું ઉત્પાદન મેળવવા આશરે ૧૫ વર્ષ અથવા તેનાથી પણ વધુ સમય લાગે છે. લાલ અને સફેદ ચંદનની ખેતીમાં ખૂબ જ ઓછો ખર્ચ થવા પામે છે. જેમાં ખાસ કરીને માત્ર ઉનાળાની ઋતુમાં જ ચંદનના વાવેતરની કાળજી રાખવાની હોય છે, જેમાં સમયાંતરે પિયત કરવાનું હોય છે. ચંદનની સુરક્ષા માટે ખેતર ફરતે સીસીટીવી કેમેરા લગાવ્યા છે જેથી કોઇપણ મુશ્કેલી પડતી નથી. પરંપરાગત ખેતીમાં જે આવક આવતી તેનાથી ડબ્બલ અથવા ત્રણ ગણી વધુ આવક મળવાની સંભાવના સાથે રોકાણ કરી શકે તેવા ખેડૂતો ચંદનની ખેતી કરે તો લાંબા સમયે ચોક્કસ વધુ નફો થવાની શક્યતા છે તેવો આશાવાદ શ્રી વશરામભાઇએ વ્યક્ત કર્યો હતો. 


             ગુજરાતના ખેડૂતો દિવસેને દિવસે પ્રગતિશીલ બનતા જાય છે, અને ખેતીમાં કંઈક નવું કરીને વધુ આવક મેળવવા માટે પ્રયત્નશીલ છે, ત્યારે ગઢડાના રળીયામણા ગામના ખેડૂત શ્રી વશરામભાઇ વીરાણીએ બોટાદના અંતરિયાળ વિસ્તારમાં અશક્ય એવી ચંદનની ખેતી કરીને પોતાની ભવિષ્યની સબળી આવક નોંધાવી લીધી છે, અને તેઓ થોડા રોકાણે ભવિષ્યમાં લાખોનો નફો મેળવશે. હવે નવી-નવી માહિતી મેળવી પોતાની પરંપરાગત ખેતી છોડીને અન્ય ખેતી તરફ વળતા ખેડૂતોને હવે તેમનો વિકાસ કરવા માટે માત્ર લગન અને મહેનતની જરૂર છે, ત્યારે અન્ય ખેડૂતો પણ વશરામભાઇ પાસેથી પ્રેરણા લે તે જરૂરી છે.


             અત્રે ઉલ્લેખનીય છે કે, ચંદન ભારતીય સંસ્કૃતિમાં એક આગવું સ્થાન સ્થાન ધરાવે છે અને વિવિધ ધાર્મિક વિધિઓમાં તેનો વ્યાપક ઉપયોગ છે. માત્ર લાકડું જ નહીં પણ તેમાંથી કાઢવામાં આવેલું તેલ પણ કોસ્મેટિક, ફાર્માસ્યુટિકલ, એરોમાથેરાપી અને અત્તર ઉદ્યોગનું વિશાળ બજાર ધરાવે છે ત્યારે વશરામભાઇનો આ નવતર પ્રયોગ બોટાદનાં અન્ય ખેડૂતો માટે દિશાસૂચક બનશે તે તો નક્કી જ છે...

Search
Recent News
Top Trending

Leave a Comment