GUJARAT BOTAD

કેબિનેટ મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને બોટાદ ખાતે ‘વિકસીત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમ તેમજ સેવા સેતુના નવમાં તબક્કાનો શુભારંભ કરાયો

by Admin on | 2024-01-02 14:02:04

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 281


કેબિનેટ મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને બોટાદ ખાતે ‘વિકસીત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમ તેમજ સેવા સેતુના નવમાં તબક્કાનો શુભારંભ કરાયો

- ગામે-ગામ અને ઘર-ઘર સુધી પહોંચીને છેવાડાના માનવીને સરકારશ્રીની યોજનાઓથી લાભાન્વિત કરાઈ રહ્યા છે, અને તમામના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યા છે


- નાગરિકોએ સ્વચ્છતા જાળવવા, માતા અને બાળકના પોષણની કાળજી લેવા સહિતન સંકલ્પો અનુસરી વિકાસની યાત્રામાં સહભાગી બનવું જોઈએ : મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયા


મંત્રીશ્રીના વરદહસ્તે રૂ. 7.63 કરોડના ખર્ચે જિલ્લાકક્ષાના મોડેલ ફાયર સ્ટેશનનું ઈ-ખાતમુહૂર્ત, રૂ. 1.85 કરોડના ખર્ચે ઘન કચરાના વ્યવસ્થાપનની સાઈટ વિકસાવવાનું કામ તથા રૂ. 44 લાખના ખર્ચે જ્યોતિગ્રામ સર્કલ પાસે બોક્સ કલવર્ટ બનાવવાના કામોનું ઈ-ખાતમુહૂર્ત


જનહિતલક્ષી યોજનાઓના લાભથી એકપણ વ્યક્તિ વંચિત ન રહે તે માટે જાગૃતિ કેળવવા સંકલ્પ યાત્રા એક મહત્વપૂર્ણ સોપાન બની રહી છે, ત્યારે સામાજિક ન્યાય અને અધિકારીતા અને મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી વ બોટાદ જિલ્લા પ્રભારી મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને બોટાદ ખાતે નગરપાલિકા કક્ષાના ‘વિકસીત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમ અને સેવા સેતુના નવમાં તબક્કાનો શુભારંભ કરાયો હતો. આ અવસરે લાભાર્થીઓને સ્થળ પરથી જ લાભનું વિતરણ કરવાની સાથેસાથે પ્રભારી મંત્રીશ્રીના વરદહસ્તે રૂ. 7.63 કરોડના ખર્ચે  જિલ્લાકક્ષાના મોડેલ ફાયર સ્ટેશનના કામનું ઈ-ખાતમુહૂર્ત, રૂ. 1.85 કરોડના ખર્ચે ઘન કચરાના નિકાલ માટે વ્યવસ્થાપનની સાઈટ વિકસાવવાનું કામ તથા રૂ. 44 લાખના ખર્ચે જ્યોતિગ્રામ સર્કલ પાસે બોક્સ કલવર્ટ બનાવવાના કામોનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.                                                                


આ અવસરે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, “વિકસિત ભારત સંકલ્પ યાત્રા એટલે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ગેરેન્ટીની ગાડી. પાત્રતા ધરાવતા લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો લાભ એક જ સ્થળ ઉપર અને ઘર આંગણે જ મળી રહે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા સુચારૂંપણે યોજાઈ રહી છે. આજે ગામે-ગામ અને ઘર-ઘર સુધી પહોંચી છેવાડાના માનવી સરકારશ્રીની યોજનાઓથી લાભાન્વિત થઈ રહ્યા છે, અને તમામના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યા છે.” 


મંત્રીશ્રીએ સૌ બોટાદવાસીઓને અનુરોધ કર્યો હતો કે, “નાગરિકોએ સ્વચ્છતા જાળવવી, કચરો જ્યાં ત્યાં ન નાખવા જેવા સંકલ્પો અનુસરી વિકાસની યાત્રામાં સહભાગી બનવું જોઈએ. મજબૂત ભાવિના નિર્માણ માટે બાળકોના પોષણનો ખાસ ખ્યાલ રાખવામાં આવે તે અનિવાર્ય છે. બાળકોને ફાસ્ટફૂડ નહીં, પરંતુ ઘરનો તાજો અને પૌષ્ટિક ખોરાક આપવો જોઈએ. કિશોરીઓના ખોરાકનો પણ વિશેષ ખ્યાલ રાખવો જોઈએ. ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓની આરોગ્યલક્ષી ખાસ તકેદારી રાખવી ખૂબ જરૂરી છે.” સાથોસાથ બાળકના જન્મસમયે ગળથૂંથી પીવડાવવા જેવા રિવાજોથી દૂર રહી તેને જન્મના પ્રથમ કલાકમાં માતાનું ધાવણ જ આપવા આવે તે અતિ મહત્વનું છે.” તેમ ઉમેર્યુ હતું. 


આ અવસરે જિલ્લા કલેક્ટરશ્રી ડો. જીન્સી રોયે પ્રાસંગિક પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, આપણે સૌ વર્ષ 2047 સુધીમાં દેશને વિકસિત દેશ તરીકે જોવા ઈચ્છીએ છીએ. સર્વાંગી વિકાસમાં આર્થિક વિકાસની સાથે સામાજિક અને પારિવારિક વિકાસનો પણ સમાવેશ થાય છે. વિશ્વ પ્રેરણા દિવસ નિમિત્તે બોટાદમાં રૂ. 10 કરોડના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, તે આપણાં સૌ માટે પ્રેરણારૂપ બની રહે તેવી શુભેચ્છાઓ જિલ્લા કલેક્ટરશ્રીએ પાઠવી હતી. 


આ અવસરે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીના હસ્તે કુસ્તીની રમતમાં રાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ પ્રાપ્ત કરનાર ખેલાડી ધર્મિષ્ઠાબેન મકવાણાને પ્રશસ્તિ પત્ર એનાયત કરાયું હતું. તેમજ મંત્રીશ્રીને બોટાદના પ્રવિણભાઈ દ્વારા વિશેષરૂપે તૈયાર કરાયેલું આર્ટવર્ક ભેટ કરાયું હતું. બોટાદ પ્રાંત અધિકારીશ્રી વ નગરપાલિકા વહિવટદારશ્રી ચરણસિંહ ગોહિલે ઉપસ્થિત મહેમાનોનું શાબ્દીક સ્વાગત કર્યું હતું, અને ચીફ ઓફિસરશ્રી ગોસ્વામીએ આભારવિધિ કરી હતી. જિલ્લા અગ્રણીશ્રી ચંદુભાઈ સાવલિયાએ પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું. ઉપસ્થિતોએ પ્રધાનમંત્રીશ્રીનો વિકસિત ભારતનો સંદેશ નિહાળ્યો હતો અને વર્ષ 2047 સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે કાર્યશીલ રહેવા શપથ ગ્રહણ કર્યા હતા. કાર્યક્રમમાં શાળાની બાળકીઓએ સુંદર સ્વાગત ગીત તેમજ મતદાન જાગૃતિ ગીત રજૂ કર્યું હતું. તેમજ “મેરી કહાની મેરી જુબાની” અંતર્ગત લાભાર્થીએ સાફલ્ય ગાથા વર્ણવી હતી. 


સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો લોકોને એક જ સ્થળે મળી રહે તે માટે વિવિધ વિભાગો દ્વારા કાર્યક્રમસ્થળ ખાતે સ્ટોલની બોટાદ નગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. જેનો બહોળા પ્રમાણમાં લાભાર્થીઓએ લાભ લીધો હતો.  


બોટાદની સરકારી હાઈસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જેઠીબેન પરમાર, તાલુકા પંચાયત પ્રમુખશ્રી મંજુલાબેન બારૈયા, માર્કેટિંગ યાર્ડના ચેરમેનશ્રી મનહરભાઈ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વિરાણી, જિલ્લા અગ્રણીશ્રી ભીખુભાઈ, ભૂપતભાઈ, વનરાજભાઈ, પાલજીભાઈ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી કિશોરભાઈ બલોલિયા સહિતના અગ્રણીશ્રીઓ, લાભાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં બોટાદવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Search
Recent News
Top Trending

Leave a Comment