by Admin on | 2024-01-04 16:37:25
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 60
બરવાળા નગરપાલિકા ખાતે તા.૦૪/૦૧/૨૦૨૪ ને ગુરુવારનાં રોજ સવારનાં ૧૦:૦૦ કલાકે ધંધુકાના ધારાસભ્ય કાળુભાઇ ડાભીના અધ્યક્ષસ્થાને ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ તેમજ ‘સેવાસેતુ’નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનોનું પુષ્પગુચ્છ તેમજ મોમેન્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.બરવાળા મુકામેનાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે જનહિતલક્ષી યોજનાઓના લાભથી એકપણ વ્યક્તિ વંચિત ન રહે તે માટે જાગૃત્તિ કેળવવા સંકલ્પ યાત્રા એક મહત્વપૂર્ણ સોપાન બની રહી છે ત્યારે બોટાદના બરવાળા નગરપાલિકાના કમલમ હોલ ખાતે ધંધુકાના ધારાસભ્ય કાળુભાઇ ડાભીના અધ્યક્ષસ્થાને નગરપાલિકા કક્ષાનો ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ તેમજ ‘સેવાસેતુ’નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓની સહાયનું વિતરણ કરવાની સાથે રમતક્ષેત્રે નામના મેળવનાર ઉત્કૃષ્ઠ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
બરવાળા ખાતે યોજાયેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’માં ધારાસભ્ય કાળુભાઇ ડાભીએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતના પનોતા પુત્ર અને લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપેલા વિકાસ મંત્રને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે છેવાડાના લોકો સુધી વિકાસની સુવાસ ફેલાવીને વિકાસના મંત્રને સાચા અર્થમાં સાર્થક કર્યો છે. સરકારની કલ્યાણકારી યોજનાઓથી પાત્રતા ધરાવતા લાભાર્થીઓ લાભથી વંચિત ન રહે તે માટે વિકસીત ભારત સંકલ્પયાત્રા તેમજ સેવાસેતુના કાર્યક્રમો લોકો માટે ખૂબ જ લાભદાયક બની રહ્યા હોવાનું જણાવ્યું હતું. આયુષ્માન કાર્ડએ આરોગ્યનું રક્ષા કવચ હોવાથી તમામ લાભાર્થીઓને આ કાર્ડ કઢાવી લેવા અનુરોધ કર્યો હતો. વધુમાં ઉમેર્યું હતું કે, વધુ પડતી દવા તેમજ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાથી રોગોનું પ્રમાણ લોકોમાં પ્રતિદીન વધી રહ્યું છે, ત્યારે તમામ લોકોને પોતાની જરૂરીયાત પ્રમાણેની શાકભાજીનું વાવેતર જાતે કરવાં તેમજ પ્રાકૃતિક ખેતી તરફ વળવા આહ્વાન કર્યું હતું. પ્રારંભમા બરવાળા શહેર અગ્રણી ભાવસંગભાઇ તલસાણીયાએ સૌને આવકાર્યાં હતાં એક જ સ્થળે વિવિધ યોજનાઓના લાભો લાભાર્થીઓને મળી રહે તે માટે બરવાળા નગરપાલિકા દ્વારા સેવાસેતુનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયાબાદ ધારાસભ્ય તેમજ ઉપસ્થિત સૌ મહાનુભાવોએ સેવાસેતુની મુલાકાત લીધી હતી.
કાર્યક્રમમાં શાળાની બાળકીઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું તેમજ આંગણવાડી કેન્દ્ર નં.૧૨ની બાળા વંશિકા મુંધવાએ ગીતની પ્રસ્તુતી રજૂ કરી સૌને અભિભૂત કર્યાં હતાં. “મેરી કહાની મેરી જુબાની” અંતર્ગત લાભાર્થીઓએ સાફલ્ય ગાથા વર્ણવી હતી.ઉપસ્થિત સૌએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ નિહાળવાની સાથે વિકસિત ભારતના નિર્માણ માટે પોતાની સહયોગીતા આપવાના શપથ લીધા હતા.
બરવાળા નગરપાલિકા કક્ષાએ યોજાયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા તેમજ સેવાસેતુ કાર્યક્રમને સફળ બનાવવા નીલેશભાઈ વસાણી તેમજ ગંભીરસિંહ ભાડલીયા સહીતનાં કર્મચારીઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.