GUJARAT BOTAD

બોટાદના રેકોર્ડ હોલ્ડર યુવા ક્રિકેટર કાવ્ય પટેલની : ભાવનગર રૂરલ અને બોટાદ ડિસ્ટ્રીકટની ટીમ વચ્ચેની મેચમાં કાવ્ય એ ફટકારી હતી ત્રિપલ સદી

by Admin on | 2024-01-10 15:54:09

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 211


બોટાદના રેકોર્ડ હોલ્ડર યુવા ક્રિકેટર કાવ્ય પટેલની : ભાવનગર રૂરલ અને બોટાદ ડિસ્ટ્રીકટની ટીમ વચ્ચેની મેચમાં કાવ્ય એ ફટકારી હતી ત્રિપલ સદી

પ્રેક્ટિસ અને હાર્ડવર્કથી જ સફળતા પ્રાપ્ત થઈ શકે છે, હું દરરોજ સતત ૧૪ કલાક પ્રેક્ટિસ કરૂં છું:  કાવ્ય પટેલ

એક વિચારને તમારું જીવન બનાવો. તેના વિશે વિચારો, તેના વિશે સ્વપ્ન જુઓ, તે વિચારને જીવો. તમારા મન, મસ્તિષ્કને  અને તમારા શરીરના દરેક અંગને એ વિચારમાં ડૂબી જવા દો. આ જ સફળ થવાની સાચી રીત છે : સ્વામી વિવેકાનંદ


            રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી અંતર્ગત યુવા પ્રતિભા સીરિઝમાં આજે વાત બોટાદના ક્રિકેટ જગતના એવા ખેલાડીની, કે જેની મહેનત બાળકો, યુવાનો સૌ કોઈને પ્રેરિત કરે છે. 

            “પ્રેક્ટિસ અને હાર્ડવર્કથી જ સફળતા પ્રાપ્ત થઈ શકે છે” ક્રિકેટ મેચમાં ત્રિપલ સદી ફટકારી રેકોર્ડ સર્જનાર કાવ્ય પટેલ, બોટાદનો એક એવો ઉભરતો ક્રિકેટ જગતનો સિતારો; કે જે દ્રઢપણે માને છે કે પ્રેક્ટિસ અને હાર્ડવર્ક દ્વારા દરેક સિદ્ધિ મેળવી શકાય છે. 

            સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા ઈન્ટર ડિસ્ટ્રીક્ટ અન્ડર-૧૪ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગર રૂરલ અને બોટાદ ડિસ્ટ્રીકટની ટીમ વચ્ચે બે દિવસીય લીગ મેચમાં બોટાદની ટીમે બેટીંગ કરી પ વિકેટે પપ૪ રન બનાવી દાવ ડિક્લેર કર્યો હતો, આ મેચમાં બોટાદની ટીમના કેપ્ટન અને વિકેટ કિપર કાવ્ય પટેલે શાનદાર બેટીંગ કરી ર૬૯ બોલમાં પ૮ ફોરના સહારે અણનમ ૩૩૪ રન ફટકારી રેકોર્ડ સર્જ્યો હતો.    

           કાવ્ય પોતાની સિદ્ધિ વિશે વાત કરતા જણાવે છે કે, “હું બોટાદ ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશન વતી રમું છું અને સમરસ એકેડમીમાંથી ક્રિકેટની કોચિંગ લઈ રહ્યો છું. સવારની સ્કૂલ હોય કે બપોરની, મારા કોચ કિરણભાઈ સોલંકી એ રીતે સમય ગોઠવી આપે છે, કે જેથી અમે નિયમિત પ્રેક્ટિસ કરી શકીએ.  સતત બે સેશનમાં ૧૪ કલાકની પ્રેક્ટિસ બાદ હું અન્ડર-૧૪ ટુર્નામેન્ટમાં સારૂં પ્રદર્શન કરી શક્યો છું. મારા કોચ જ મારા રોલ મોડેલ છે. અને હું માનું છું કે કલાકોની પ્રેક્ટિસ, હોમવર્ક અને નિરંતર મહેનત થકી સારૂં પરિણામ અવશ્ય મળે છે.”

             

બોટાદ ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનના કોચ તરીકે ફરજ બજાવતા અને કાવ્ય જેવા અનેક પ્રતિભાવાન ખેલાડીઓના માર્ગદર્શક શ્રી કિરણભાઈ સોલંકીએ કહ્યું કે, “સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા ભાવનગરમાં અંડર-૧૪માં ભાવનગર રૂરલ અને બોટાદ ડિસ્ટ્રીકટની ટીમ વચ્ચે યોજાયેલા મેચમાં બોટાદ તમામ ખેલાડીઓ ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યુ હતું. જેમાં બોટાદની ટીમે સર્વાધિક સ્કોર નોંધાવ્યો હતો, સાથેસાથે વિકેટકીપર અને બેટ્સમેન કાવ્ય પટેલે ત્રિપલ સદી ફટકારી રેકોર્ડ સર્જ્યો છે. આ મેચમાં સર્વાધિક સ્કોર, સર્વાધિક ભાગીદારી, ૪ બોલમાં ૪ વિકેટનો રેકોર્ડ અને ત્રિપલ સદી એમ ચાર રેકોર્ડ સ્થપાયા છે. રમત પ્રત્યે સમર્પણ અને સતત પ્રેક્ટિસના કારણે આ સફળતા સંભવ બની છે.”


                   કાવ્ય પટેલ આપણાં રાષ્ટ્રના યુવાનોમાં રહેલી અપાર પ્રતિભાનું ઝળહળતું ઉદાહરણ છે. કુશળતા અને  સમર્પણ થકી દરેક સફળતા મેળવી શકાય છે તે વાત કાવ્ય સિદ્ધ કરી રહ્યો છે. 


Search
Recent News
Top Trending

Leave a Comment