by Admin on | 2024-01-10 15:58:32
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 290
પશુપાલન ખાતુ, ગુજરાત રાજ્ય- ગાંધીનગર અને પશુપાલન જિલ્લા પંચાયત બોટાદ દ્વારા બોટાદના કારિયાણી ગામ ખાતે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જેઠીબેન પરમાર, જિલ્લા કલેક્ટરશ્રી ડો.જીન્સી રોય અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાનિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, “ચિકિત્સા ક્ષેત્રે ભારત વિશ્વ ગુરુ છે. વિશ્વના તમામ દેશો હવે આયુર્વેદને સ્વીકારવા લાગ્યા છે. ત્યારે પશુઓની સારવાર અને દેખરેખ માટે અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. ” 1962 મોબાઈલ વાન ગ્રામીણ વિસ્તારોમાં પશુઓના આરોગ્યની તકેદારી માટે નિરંતર કાર્યરત છે. ત્યારે જરૂર પડ્યે આ હેલ્પલાઈનનો લાભ લેવા ગ્રામજનોને માર્ગદર્શિત કર્યા હતા.
આ સાથે જ કલેક્ટરશ્રીએ અનુરોધ કર્યો હતો કે, “આગામી ઉત્તરાયણના પર્વ પર પતંગ ઉડાવવામાં નાગરિકો ખાસ કાળજી રાખે. પશુ,પ્રાણી અને પર્યાવરણ પર વિપરીત અસર ન પડે તે રીતે તહેવારોની ઉજવણી કરવી જોઈએ અને તમામ માટે કરૂણા દાખવવી ખૂબ જરૂરી છે.” કલેકટરશ્રીએ જણાવ્યું કે, આ વર્ષે જિલ્લામાં ગૌમાતા પોષણ યોજનામાં સહાયની રકમમાં વધારો કરીને 8 કરોડ સહાય ચૂકવવામાં આવી છે જેથી ખેડૂત મિત્રો ગાય આધારિત ખેતી કરવા પ્રેરિત થાય તેમ ઉમેર્યું હતું.
આ તકે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ પણ પ્રેરણાત્મક સંબોધન કરી પશુપાલકોનો ઉત્સાહ વધાર્યો હતો તેમજ ગ્રામજનોને પશુપાલન વિભાગની વિવિધ કામગીરીથી વાકેફ કર્યા હતા.અને વિકસિત ભારત સંકલ્પ યાત્રા માં પશુપાલન દ્વારા કરવામાં આવેલ કામગીરી બિરદાવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જેઠીબેન વતી અગ્રણીશ્રી પાલજીભાઈએ પ્રાસંગીક પ્રવચન આપ્યું હતું તેમજ અગ્રણી શ્રી રસિકભાઈએ પશુપાલકોને વિવિધ પશુપાલન બાબતોની માહિતી આપી હતી. અત્રે મહત્વનું છે કે, દૂધાળા પશુઓ માટે સબ્સિડી લેનાર પશુપાલકોના મોડેલ ફાર્મ ખાતે જ આ શિબિર યોજવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લાના શ્રેષ્ઠ પશુપાલક કાળુભાઈ કોગતિયાને પ્રમાણપત્ર શિલ્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથોસાથ અન્ય 2 પશુપાલકોને બકરા એકમની સ્થાપના માટે સહાય પેટે રૂ. 45,000ના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.શિબિર માં વિવિધ તજજ્ઞો દ્વારા પશુપાલન વિશે જીણવટ પૂર્વક વિગતવાર માહિતી પશુપાલકો ને આપવામાં આવી હતી.
નીવા ડેરી ફાર્મ, ગીર ગૌશાળા, કારિયાણી ખાતે યોજાયેલી શિબિરમાં જિલ્લા પશુપાલન અધિકારીશ્રી ડો. આર.જી માળીએ સ્વાગત વિધિ કરી હતી જ્યારે ડો. કણઝરિયા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલ, પશુપાલન વિભાગના અધિકારીશ્રી, કર્મચારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં પશુપાલકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.