by Admin on | 2024-01-11 16:17:38
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 293
સર્વત્ર હરિયાળી, પક્ષીઓનો મીઠો મધૂરો કલરવ, શુદ્ધ વાતાવરણ અને મનને શાંતિ... આવું દ્રશ્ય કોને ન ગમે?
રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી અંતર્ગત યુવા પ્રતિભા શ્રેણી અન્વયે આજે આપણે “મિશન ગ્રીન-બોટાદ: વતનને હરિયાળું બનાવવાના સંકલ્પ” સાથે કાર્યરત બોટાદની ગ્રીન આર્મી સાથે મુલાકાત કરીશું.
બોટાદ અને સુરતના મિત્રોએ ભેગા મળીને વિચાર્યું... કે આપણે આપણાં વતનને હરિયાળું બનાવીએ તો? આપણાં વતનને જ વૃંદાવન બનાવીએ તો? બસ, આ જ વિચાર સાથે બોટાદમાં કરવામાં આવી મિશન ગ્રીન સંસ્થાની સ્થાપના..સરકારની સહાયથી આ સંસ્થાને નવો વેગ મળ્યો અને આ યુવા બ્રિગેડે મિશન મોડમાં કામગીરી શરૂ કરી દીધી.
સુરતમાં રહીને વ્યવસાય કરતા મૂળ બોટાદના વતની એવા વિજયભાઈ ઈટાલીયાએ વતન પ્રેમ ઉજાગર કરવા બોટાદને વૃંદાવન બનાવવાની નેમ લીધી હતી. વિજયભાઈ પોતાની આ યાત્રા વિશે જણાવતા કહે છે કે, “મારી માતૃભૂમિ બોટાદ છે અને માતૃભૂમિ માટે કંઈક કરવાની ઈચ્છા સાથે મિશન ગ્રીન-બોટાદની સ્થાપના કરી હતી. બોટાદને હરિયાળું બનાવવાનું કાર્ય મિશન મોડમાં કરવું હતું માટે જ અમે અમારી સંસ્થાનું નામ મિશન ગ્રીન-બોટાદ આપ્યું હતું. વર્ષ 2019માં મિશન ગ્રીન બોટાદની શરૂઆત અમે મિત્રોએ સાથે મળીને કરી હતી. તે સમયે અમે બોટાદ શહેરમાં 1500 જેટલા વૃક્ષોનું વાવેતર, 300 જેટલા પીપળાનું વાવેતર તેમજ વૃક્ષોનું નિ:શૂલ્ક વિતરણ સહિતની પ્રવૃત્તિઓ કરી હતી. જે અમે દર વર્ષે અનુસરી રહ્યા છીએ. અમે વૃક્ષારોપણ પ્રત્યે ટ્રેન્ડ પણ ચેન્જ કર્યો છે, જન્મ દિવસ, લગ્નની વર્ષ ગાંઠ જેવા શુભ પ્રસંગોએ લોકો ઉજવણી કરવાના ખોટા ખર્ચ કરવાના બદલે વૃક્ષોનું વાવેતર કરવા લાગ્યા છે તેવી જ રીતે મૃત્યુ, પૂણ્યતિથિ જેવા માઠા પ્રસંગોએ પણ લોકો યાદગીરી રૂપે વૃક્ષોનું દાન કરતા થયા છે.” શ્રી ઈટાલીયાએ વધુમાં ઉમેર્યું હતું કે, “વૃક્ષારોપણ થકી જ પર્યાવરણમાં સંતુલન જળવાશે. ગામ-શહેરમાં વધુને વધુ વૃક્ષો વાવીને તેનું જતન કરો. એક ટીમ બનાવીને આ કાર્યમાં જોડાઈ અને આપણાં ગામ અને દેશને વૃંદાવન બનાવીએ.”
મિશન ગ્રીન-બોટાદના સભ્ય મનીષભાઈ નાવડીયાએ જણાવ્યું હતું કે, “રાજ્ય સરકારશ્રી તેમજ જિલ્લા વહીવટી તંત્ર તરફથી અમને ખૂબ જ સારો સહયોગ મળી રહ્યો છે. વન વિભાગ તરફથી અમને ખૂબ સહકાર સાંપડ્યો છે. સરકાર તરફથી અમને ટ્રેક્ટર અને ટેંકરની સહાય કરવામાં આવી છે, જે અમારી સંસ્થાના મુખ્ય અંગો બની રહ્યા છે. અમે શહેરમાં વૃક્ષારોપણ કરી ટ્રેક્ટર અને ટેંકરની મદદથી જ તમામ વૃક્ષોનું જતન કરવા સમર્થ બન્યા છીએ. સાથેસાથે અમને રાજ્ય અને જિલ્લા કક્ષાએથી અનેક પ્રોત્સાહનો પ્રાપ્ત થયા છે. જે બદલ અમે સરકારના ખૂબ ખૂબ આભારી છીએ.”
મિશન ગ્રીન-બોટાદના અન્ય સભ્ય જિજ્ઞેશ કળથીયાએ પોતાના અનુભવ વિશે જણાવ્યું હતું કે, “હું મિશન ગ્રીન-બોટાદ સાથે શરૂઆતથી કાર્યરત છું. કોરોનાકાળમાં અમે તાજપર રોડ પર ઉપવનનું નિર્માણ કરીને વેરાન જગ્યાને હરિયાળી બનાવી હતી. બોટાદના મહત્વના તમામ રસ્તાઓ પર વૃક્ષારોપણ કર્યું છે. આ સિવાય અમે નક્ષત્ર વનનું નિર્માણ કર્યું છે. ઉપરાંત આપણાં બોટાદમાં જ પંચવટી વન, સહજાનંદ ઉપવન સહિતના વનનું નિર્માણ કર્યું છે. હું તમામ યુવાનોને કહેવા ઈચ્છું છું કે જે ગામમાં બિનજરૂરી જગ્યાઓ હોય ત્યા વૃક્ષારોપણ કરવામાં આવે તો ગામના કુદરતી સૌંદર્યમાં વધારો કરી શકાય છે.”
પ્રાચીન ધર્મગ્રંથોમાં વૃક્ષોનું અદભૂત વર્ણન છે, જે વર્તમાન સમયમાં પણ લાગુ પડે છે. વૃક્ષોની પૂજા કરવી તે આપણી સંસ્કૃતિનો ભાગ છે. સંપૂર્ણ આયુર્વેદ કુદરતની આ કળા એટલે કે, વનસ્પતિ પર જ આધારિત છે. આપણાં ઋષિમુનિઓ વનમાં રહીને ધર્મગ્રંથોની રચના કરતા, તેની પાછળનું કારણ ત્યાંની શાંતિ અને રમણીય વાતાવરણ જ હશે! જે તેમના મનને એકાગ્ર રાખવામાં સહાયરૂપ બની હતી. વૃક્ષોના જીવનનો ઉદ્દેશ જ પરોપકાર છે. ત્યારે આપણે પણ આ પરંપરા જાળવતા આપણાં પર્યાવરણ અને પ્રકૃતિ પ્રત્યે જાગૃત રહીને તેના સૌંદર્યમાં વધારો કરવાનો અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ. જો આ વાત વિજયભાઇની જેમ આજની યુવાપેઢી સમજી અને અનુસરે તો વતનને વૃંદાવન બનતાં વાર નહિ લાગે...શું માનવું છે તમારું