by Admin on | 2024-01-17 15:42:34
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 235
સમગ્ર દેશમાં આદિમ જૂથના લોકો સાથે ખાસ કરીને નબળા આદિમ જૂથના કોટવાળીયા-કાથોડી લોકોને મુખ્યધારામાં લાવવાના બહુઆયામી અભિયાન પ્રધાનમંત્રી જનમન કાર્યક્રમ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના વિવિધ રાજ્યો અને જિલ્લા, તાલુકા કક્ષાએ યોજાયો હતો. જે અંતર્ગત બોટાદમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જેઠીબેન પરમારના અધ્યક્ષસ્થાને અને જિલ્લા કલેક્ટરશ્રી ડો.જીન્સી રોયની પ્રેરણાત્મક ઉપસ્થિતિમાં જનમન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં બોટાદ જિલ્લાના 9 આદિમ જૂથના પરિવારોના 37 લાભાર્થીઓને લાભાન્વિત કરાયા હતા.
કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, “સીદી સમુદાયના લોકો ભારતમાં આવી વસવાટ કરવા લાગ્યા તે વિવિધતામાં એકતાની આપણાં દેશની લાક્ષણિકતાને સિદ્ધ કરે છે. હજારો વર્ષો પહેલા સીદી સમુદાય આફ્રિકાથી ભારતમાં આવ્યો અને ગુજરાત, ગોવા, કર્ણાટક સહિતના રાજ્યોમાં વસવાટ કરવા લાગ્યો. સીદી સમુદાયના લોકોની પ્રામાણિકતા આજે પણ ઉદાહરણરૂપ છે. ભારત સરકારે જનમન યોજનાથી આ સમુદાયના લોકોને મુખ્ય હરોળમાં લાવવા માટે કરેલા પ્રયત્નના ભાગરૂપે બોટાદ જિલ્લામાં તેમના વિસ્તારમાં જઈને કેમ્પ યોજીને તેમને જાતિ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, આયુષ્માનકાર્ડ સહિતની સરકારની યોજનાઓથી લાભાન્વિત કરવામાં આવ્યા છે. બોટાદ જિલ્લામાં આ સમુદાયના 37 લાભાર્થીઓ છે અને મને કહેતા ખૂબ જ ગર્વ થાય છે કે બોટાદ જિલ્લા વહીવટી તંત્રની સમગ્ર ટીમે મીશન મોડમાં કામગીરી કરી અનેક યોજનાઓથી સીદી સમુદાયના લોકોને 100 ટકા લાભાન્વિત કર્યા છે. આજે આ સમુદાયના લોકોની સાફલ્ય ગાથા સાંભળીને હું સંતોષની લાગણી અનુભવી રહું છું. ભવિષ્યમાં પણ આ સમુદાયના લોકોની જરૂરિયાતો અને સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે બોટાદ જિલ્લા વહીવટી તંત્ર પ્રતિબદ્ધ છે અને નિરંતર તેમના ઉત્થાન માટે કાર્ય કરતું રહેશે તેવો મને પૂરો વિશ્વાસ છે.”
કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી પી.એલ. ઝણકાતે જણાવ્યું હતું કે, “તમામ નાગરિકોનો વિકાસ થાય ત્યારે જ સમગ્ર રાષ્ટ્રનો વિકાસ થાય. આપણાં દેશના દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ તમામ ક્ષેત્રના લોકોને આવરી લેવાયા છે અને તેની ફળશ્રૃતિરૂપે આ કાર્યક્રમ યોજાયો છે. બોટાદમાં જિલ્લા કલેક્ટરશ્રીના ગહન માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્રએ ખૂબ સરાહનીય કામગીરી કરી છે અને ટીમને સ્થળ પર મોકલી સીદી સમુદાયના તમામ 37 લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ, આધાર કાર્ડથી લાભાન્વિત કરાયા છે.”
કાર્યક્રમ સ્થળે વિવિધ વિભાગની યોજનાઓ બાબતે લોકજાગૃતિ લાવવા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિતોએ દિલ્હીથી વડાપ્રધાનશ્રીનું જીવંત પ્રસારણ તેમજ સરકારશ્રીની યોજનાકીય માહિતી દર્શાવતી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ નિહાળી હતી. કાર્યક્રમમાં સ્વાગતવિધિ બોટાદ પ્રાંત અધિકારીશ્રી ચરણસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જનધન યોજના, વીમા યોજના, જાતિ પ્રમાણપત્ર સહિતના લાભાર્થીઓને સ્થળ પરથી જ લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ લાભાર્થીઓએ તેમની સાફલ્ય ગાથાઓ વર્ણવી હતી.
નાનાજી દેશમુખ ઓડીટોરીયમ હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી મંજુલાબેન બારૈયા, જિલ્લા અગ્રણીશ્રી ચંદુભાઈ સાવલીયા, શ્રી મનહરભાઈ માતરીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ભાર્ગવ પટેલ, જિલ્લા પૂરવઠા અધિકારીશ્રી પી.ટી. પ્રજાપતિ સહિતના અધિકારીશ્રીઓ-અગ્રણીશ્રીઓ તેમજ લાભાર્થીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.