by Admin on | 2024-01-25 10:32:46
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 134
આપણાં બોટાદને રળિયામણું, સુંદર અને સ્વચ્છ બનાવવાની જહેમત ઉઠાવી રહેલા નગરના 100થી વધુ સ્વચ્છતા સૈનિકોનું દાતાઓના માધ્યમથી બોટાદ પ્રાંત અધિકારીશ્રી ચરણસિંહ ગોહિલ તથા જિલ્લા ભાજપ પ્રમુખશ્રી મયૂરભાઈ પટેલના વરદહસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ અવસરે પ્રાંત અધિકારીશ્રીએ સફાઈ કામદારોની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, “બોટાદને સ્વચ્છ બનાવવાની જિલ્લા કલેક્ટરશ્રી ડો. જીન્સી રોયની નેમ છે અને આપણાં બોટાદને સ્વચ્છ રાખવા દિવસ-રાત મહેનત કરતા સફાઈ કર્મીઓ એ સાચા અર્થમાં સ્વચ્છતાના સૈનિકો છે. આપણે સૌએ તેમની કામગીરીને પ્રોત્સાહિત કરી તેમનો જુસ્સો વધારવો જોઈએ. આજે દાતાશ્રીઓના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. બોટાદની નદીઓની સફાઈ કરતા કર્મીઓનું સન્માન કરી તેમને કપ સેટ અને વેક્યુમ ફલાસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.” આ અવસરે જિલ્લા ભાજપ પ્રમુખશ્રી મયૂરભાઈ પટેલે જણાવ્યું હતું કે, “તમામ સ્વચ્છતા સૈનિકોને હું વંદન કરું છું અને તેમની કામગીરીને બિરદાવું છું.”
આ અવસરે પ્રાંત અધિકારીશ્રીએ તમામ સફાઈ કર્મીઓ સાથે સંવાદ સાધ્યો હતો અને તેમને મૂંઝવતા પ્રશ્નો મુદ્દે માર્ગદર્શન આપ્યું હતું. પ્રાંત અધિકારીશ્રીએ ખાસ તમામ સફાઈ કર્મીઓને તેમની કામગીરી બદલ વંદન કર્યા હતા અને તમામને અનોખો જુસ્સો પ્રદાન કર્યો હતો.
મધુમતી નદી વિસ્તારમાં યોજાયેલા સન્માન વિતરણ અવસરે દાતાઓ શ્રી સુનિલભાઈ ઢાંકણીયા, રસિકભાઈ મોરડીયા, હરિભાઈ કાકડીયા, પ્રવીણભાઈ ઢોલા, શંકરભાઈ ધોળું સહિત ભાજપ અગ્રણીઓ તથા જિલ્લા માહિતી અધિકારી શ્રી રાધિકાબેન વ્યાસ અને નાયબ મામલતદાર શ્રી અનિરુદ્ધસિંહ ડોડીયા, બટુકસિંહ ડાયમા અને નગરપાલિકાની સેનિટેશન શાખાનો તમામ સ્ટાફ ઉપસ્થિત રહીને સ્વચ્છતા સૈનિકોને પ્રોત્સાહિત કર્યા હતા.