GUJARAT BOTAD

બોટાદના રાણપુર ખાતે કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ૭૫મા પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી સંપન્ન

by Admin on | 2024-01-26 09:43:21

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 200


બોટાદના રાણપુર ખાતે કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ૭૫મા પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી સંપન્ન


બોટાદ જિલ્લાકક્ષાની ૭૫મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી અન્વયે ગુજરાતના જળ સંપતિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ રાણપુરની ઐતિહાસીક ભૂમિ ખાતે તિરંગો લહેરાવ્યો હતો.


આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ ઉર્જાવાન પ્રવચન કરતા જણાવ્યુ હતું કે, “સમગ્ર દેશમાં ૭૫મા પ્રજાસત્તાક પર્વની આનંદ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે બોટાદ જિલ્લાના નાગરિકોને હું પ્રજાસત્તાક પર્વ નિમિત્તે હાર્દિક અભિનંદન પાઠવું છું. આજના આ અનેરા અવસરે બોટાદ જિલ્લાના રાણપુરના આંગણે પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે રાષ્ટ્રધ્વજ લહેરાવતા હું આનંદની લાગણી અનુભવું છું. તાજેતરમાં આખુ ભારત રામના આદર્શ અને રામના કાર્યોને હર્ષોલ્લાસ સાથે વધાવી દેશના જન-જન શ્રી રામના જયઘોષ સાથે સંતુષ્ટી વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના શબ્દોમાં જ કહું તો, 'રામ એક ઊર્જા છે, રામ રૂપે રાષ્ટ્ર ચેતનાનુ મંદિર, રામ ભારતની પ્રતિષ્ઠા અને પ્રતાપ છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકાસમંત્રને આપણે સત્યનિષ્ઠાપૂર્વક લઈને ચાલી રહ્યા છીએ. તેથી જ, 'એક ભારત, એક રાષ્ટ્રના’ સંકલ્પ સાથે આપણા ભારતે અસામાન્ય સિદ્ધિઓ હાંસલ કરી છે.


આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ “ટીમ ગુજરાતે”આજે ગુજરાતના બહુમુખી અને સર્વસમાવેશ વિકાસ કરીને ઊંચાઈના શિખરો સર કર્યા છે. ગુજરાતે વિકસિત ભારત @ ૨૦૪૭ની પરિકલ્પનાને સાકાર કરવાની દિશામાં નક્કર પગલા લીધા છે. સ્વચ્છ ભારત અભિયાન, મેરી મીટ્ટી, મેરા દેશ અને વાઇબ્રન્ટ ગુજરાત-૨૦૨૪ ના સફળ આયોજન દ્વારા ગુજરાતે ઔદ્યોગિક ફલકમાં નવતર આયામો સર્જ્યા છે. અમૃત કાળની આ પ્રથમ સમિટમાં ૩૫ દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા હતા. વાઇબ્રન્ટ સમિટની ૧૦મી કડી, સમૃદ્ધ ભારતનું ભવિષ્ય સુનિશ્ચિત કરતો ગોલ્ડન ગેટ-વે બનીને, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારત@૨૦૪૭ ને સાકાર કરશે.


  ગુજરાત રોકાણકારોનું માનીતું સ્થળ બન્યું છે. આજે ભવ્ય અને દિવ્ય ગુજરાતના નિર્માણની અપ્રતિમચેતના જાગી છે. 'વિકસિત ગુજરાત થકી, વિકસિત ભારતના’ નિર્માણનો એક અજબનો વિશ્વાસ પેદા થયો છે. ”રૂકના, ઝુકના ઓર થકના હમે મંજૂર નહીં હૈ...”

એટલે જ, આપ લોકોનો પ્રેમ અને અઢળક આશીર્વાદ અમને સતત મળતા રહ્યા છે અને મળતા રહેશે.


કૃષિ ક્ષેત્રમાં, ગુજરાતે છેલ્લા દાયકામાં અભૂતપૂર્વ સિધ્ધીઓ હાંસલ કરી છે.આપ સર્વેને જણાવતા આનંદ થાય છે કે, કૃષિ મહોત્સવ જેવાં રાજય સરકારના આયોજનબદ્ધ પગલાંને કારણે ગુજરાતનો કૃષિ વિકાસદર સતત વધ્યો છે. ૧૫ જેટલાં કૃષિ મહોત્સવોમાં, આશરે ૧૫ કરોડ જેટલાં ખેડૂતોએ વિવિધ પાકો અને કૃષિ પ્રણાલી પર માર્ગદર્શન મેળવ્યું છે.નારી ગૌરવ નીતિ અમલમાં મૂકનારું, ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. ગુજરાતની મહિલાઓ અને બાળકોની ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે, આપણે કટીબધ્ધ છીએ તેમ ઉમેર્યું હતું.


તેમણે જણાવ્યું કે, રાજય સરકાર દ્વારા પાણીની સંગ્રહશક્તિ વધારીને, જાળવીને, ચાલુ યોજનાઓ પૂર્ણ કરીને, પાણીના વપરાશની કાર્યક્ષમતામાં સુધારો કરીને, ઉભી કરાયેલી સિંચાઈ ક્ષમતા અને સિંચાઈનાં ઉપયોગ વચ્ચેનો તફાવત દૂર કરી, હયાત સિંચાઈ વ્યવસ્થાનાં યોગ્ય વપરાશ, પુનઃસ્થાપન અને આધૂનિકરણ કરી, ભૂગર્ભ જળ અને સપાટી જળનો સંયુક્ત ઉપયોગ કરીને તેમજ સહભાગી સિંચાઈ વ્યવસ્થાપનને વેગ આપીને પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ કરવાનો અભિગમ અપનાવવામાં આવ્યો છે. રાજ્યના દરેક ગામોમાં ગુણવત્તાયુક્ત પુરતા જથ્થામાં પાણી પુરવઠો પુરો પાડવામાં આવી રહ્યો છે.  દૂરંદેશી નેતૃત્વ દ્વારા છેલ્લા ૨૦ વર્ષના આયોજન અને અમલના લીધે આજે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં દૈનિક ૩૨૦૦ એમએલડી જેટલુ પીવાનું પાણી પુરૂ પાડી ગુજરાત મોડલનું ઉત્તમ ઉદારહણ પુરૂ પાડ્યું છે.


મંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાત રાજયનાં અગ્રતા ધરાવતા ૭૫ લાખ પરિવારોને વિનામૂલ્યે અનાજ મળી રહે અને કોઈપણ નાગરિક ભૂખ્યો ન રહે તેવી નેમ સાથે રાજય સરકાર ''પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના'' અંતર્ગત સતત કાર્ય કરી રહ્યા છીએ. પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શનમાં ગુજરાતનાં યુવાનોમાં રહેલી ઉદ્યોગ સાહસિકતાને આર્થિક પીઠબળ પૂરું પાડી, તેમના સપનાંઓને પાંખો આપવાનું કામ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની, રાજ્ય સરકાર અભૂતપૂર્વ રીતે કરી રહી છે. તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. 


તેમણે ઉમેર્યું કે, રાજ્યના કૌશલ્યવાન યુવાઓને રોજગારી મળી રહે તે માટે સમયાંતરે, રાજ્યમાં ભરતીમેળાનું આયોજન થાય છે. યાત્રાધામના વિકાસ માટે પણ સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજનું આપણું ગુજરાત, સ્માર્ટ ગુજરાત બન્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રસ્થાને છે. રાજ્યમાં ગત એક વર્ષમાં લગભગ ૧ લાખ ૯ હજાર જેટલા ઘર ઉપર સોલાર રૂફટોપ સિસ્ટમ લગાડવામાં આવી છે. બોટાદ જિલ્લામાં, વિવિધ ક્ષેત્રે વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ આ જ વિકાસક્રમનું ઉદાહરણ છે. ભારત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ વધે, તેમજ પાત્રતા ધરાવતા છેવાડાના નાગરિકો સુધી આ યોજનાઓનો લાભ પહોંચે, તેવા શુભ આશય સાથે 'વિકસિત ભારત સંકલ્પયાત્રા-૨૦૨૩' નું દેશભરમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે, બોટાદ જિલ્લામાં વિવિધ ૧૭ યોજનાઓમાં પાત્રતા ધરાવતા લાભાર્થીઓને વિવિધ યોજનાઓના લાભથી લાભાન્વિત કરાયા છે.


તેમણે જણાવ્યું કે, બોટાદ જિલ્લો રાષ્ટ્રીય શાયરશ્રી ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ છે. રાણપુરનો ઈતિહાસ સુવર્ણ અક્ષરોમાં કંડારાયેલો છે. રાણપુર અનેક સત્યાગ્રહોનું મહત્વનું સ્થાન બન્યું હતું. બોટાદ જિલ્લાના વિકાસ માટે જિલ્લા વહિવટી તંત્ર પ્રસંશનીય કામગીરી કરી રહ્યું છે. બોટાદ જિલ્લાનો આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, પ્રધાનમંત્રી આવાસ યોજના, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નેશનલ રૂરલ લાઇવલીહૂડ મિશન, પોલીસ વિભાગ, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ઊર્જા વિભાગ, પશુપાલન વિભાગ સહિત તમામ વિભાગોની કામગીરી નોંધપાત્ર રહી છે.”


વધુમાં મંત્રીશ્રીએ તમામ ઉપસ્થિતોને ગણતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવતા વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા ‘સશક્ત ભારત, સશક્ત ગુજરાત’ની પ્રતિબદ્ધતાને ચરિતાર્થ કરવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.


આ મહામૂલા અવસરે સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંગે લોકોમાં જાગૃતતા આવે તે માટે અલગ અલગ ઝાંખી રજૂ કરવામાં આવી હતી. જેમાં દાદા- દાદીના દોસ્ત પ્રોજેક્ટ દર્શાવતી બોટાદ જિલ્લા પોલીસની ઝાંખી, ખેતીવાડી વિભાગ દ્વારા પ્રાકૃતિક ખેતીનું મહત્વ દર્શાવતી ઝાંખી, પી.જી.વી.સી.એલ. કચેરી દ્વારા સૌર ઉર્જાના મહત્વ દર્શાવતી ઝાંખી, આઈ.સી.ડી.એસ વિભાગ દ્વારા પાપા પગલી, માતૃશક્તિ યોજના તેમજ આંગણવાડીની વિવિધ સેવાઓનું નિદર્શન કરતી ઝાંખી, જિલ્લા શિક્ષણ વિભાગની કચેરી દ્વારા વિદ્યાર્થિનીને સ્વ-રક્ષણની તાલીમ તેમજ શિક્ષણ વિભાગની વિવિધ યોજનાઓ દર્શાવતો ટેબ્લો, પી.એમ.જે.વાય. ટેબ્લો, બોટાદ નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારતનો સંદેશ આપતો ટેબ્લો તેમજ ઈ.વી.એમ નિર્દશનવાન દ્વારા મતદાન પ્રક્રિયાને લાગતી માહિતી પ્રસ્તુત કરવામાં આવી હતી. આ તકે મંત્રીશ્રીએ પરેડનું નિરીક્ષણ કરીને જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો.


વિવિધ શાળાઓના વિધાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. મંત્રીશ્રીએ રાણપુર તાલુકાના વિકાસ માટે રૂ. ૨૫ લાખનો ચેક જિલ્લા કલેક્ટરશ્રીને  અર્પણ કર્યો હતો. તેમજ મંત્રીશ્રીના વરદહસ્તે જિલ્લાના વિકાસ માટે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ તેમજ સમાજ સેવા સાથે જોડાયેલા જિલ્લાના ઉદ્યોગપતિશ્રીઓ અને રમતવીરોને પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે મંત્રીશ્રી સહિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.


પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જેઠીબેન પરમાર, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, જિલ્લા કલેક્ટરશ્રી ડો. જીન્સી રોય, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાનિયા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી કિશોરભાઈ બળોલિયા, નિવાસી અધિક કલેક્ટરશ્રી પી.એલ.ઝણકાત, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી મયૂરભાઈ પટેલ, પ્રાંત અધિકારીશ્રી સહિતના જિલ્લાના અગ્રણીશ્રીઓ- અધિકારીશ્રીઓ, ઉદ્યોગપતિઓ, વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં બોટાદવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Search
Recent News
Top Trending

Leave a Comment