by Admin on | 2024-01-30 16:26:56
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 18
તા.૨૯ જાન્યુઆરીથી ૦૩ ફેબ્રુઆરી,૨૦૨૪ સુધી ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ, ગાંધીનગર તેમજ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, બોટાદ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરી દ્વારા તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં “ગુજરાત શાળા સલામતી સપ્તાહ-૨૦૨૪”ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત શાળાઓમાં પાંચ દિવસ દરમિયાન કુદરતી આપત્તિઓ વખતે શું કરવું અને શું ન કરવું? તે વિશે સમજણ આપવામાં આવી રહી છે.
જેના ભાગરૂપે બોટાદ જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ બોટાદની રામાનંદાચાર્ય પ્રાથમિક શાળા નંબર-૨૩ ખાતેથી “શાળા સલામતી સપ્તાહ”ની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ૧૦૮ની સેવાના કલ્પેશભાઇ સોલંકીએ ડેમોસ્ટ્રેશન કર્યું હતું. કાર્યક્રમમાં કલેકટર કચેરી,બોટાદના ડિઝાસ્ટર શાખાના મામલતદારશ્રી ભરતભાઈ સાપરા, શાસનાધિકારી શ્રી, નાયબ મામલતદારશ્રી જી.જી. બાવિસા, ડીપીઓશ્રી મેહુલભાઈ બોટાદરા સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ શાળાના આચાર્યશ્રી દર્શનભાઈ પટેલ તેમજ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, શાળા સલામતી સપ્તાહની ઉજવણી દરમિયાન બોટાદ જિલ્લાની કુલ-૩૦ શાળાઓમાં મેગા ઇવેન્ટ અને તમામ પ્રાથમિક શાળાઓમાં આગ, અકસ્માત, પુર, હોનારત, ભુંકપ સહિતની આપત્તિઓ દરમિયાન શોધ બચાવની કામગીરી, શાળા તથા આસપાસ હેઝાર્ડને ઓળખી સલામતી કેળવવી, શાળાઓમાં ચિત્રો, નિબંધ, વક્તૃત્વ સ્પર્ધાઓ, ૧૦૮ સહિતની સેવાઓનું પ્રેક્ટીકલ ડેમોન્સ્ટ્રેશન જેવા જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવશે.