by Admin on | 2024-02-15 14:07:50
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 240
ભારત સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય અંતર્ગત અમલી રાષ્ટ્રીય વયોશ્રી યોજના અન્વયે ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી ડો.વીરેન્દ્ર કુમારની વર્ચ્યુલ ઉપસ્થિતિમાં દેશભરમાં 72 સ્થળો પર વૃદ્ધોને સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેના ભાગરૂપે બોટાદમાં જિલ્લા કલેક્ટરશ્રી ડો. જીન્સી રોયના અધ્યક્ષસ્થાને મોડેલ સ્કૂલ ખાતે કાર્યક્રમ સંપન્ન થયો હતો. જેમાં જિલ્લાના 985 વયોવૃદ્ધ લાભાર્થીઓને કુલ 1 કરોડ 2 લાખના સાધનોનું વિતરણ કરાયું હતું.
બોટાદ જિલ્લામાં નવેમ્બર, 2021થી ચારેય તાલુકાઓમાં કેમ્પ યોજી 985 વૃદ્ધોનું પરિક્ષણ કરી તેમને સાધન વિતરણ સહાય આપવામાં આવી હતી. આ અવસરે જિલ્લા કલેક્ટરશ્રીએ ઉપસ્થિત રહી ઉપસ્થિતો અને લાભાર્થીઓને પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. લાભાર્થીઓને વ્હીલ ચેર, કૃત્રિમ દાંત, ચશ્મા, લાકડી, સર્વાઈકલ કોલર સહિતના સાધનોનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયું હતું.
કાર્યક્રમમાં જિલ્લા બોટાદની મોડેલ સ્કૂલના પ્રાંગણમાં યોજાયેલા કાર્યક્રમમાં ભાજપ જિલ્લા પ્રમુખશ્રી મયૂરભાઈ પટેલ, યુવા ભાજપ પ્રમુખશ્રી જીજ્ઞેશભાઈ બોળિયા સહિતના અગ્રણીશ્રીઓ તેમજ મોડેલ સ્કૂલના આચાર્યશ્રી વિક્રમસિંહ પરમાર, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી જાડેજા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી ડવ સહિતના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં વયોવૃદ્ધ લાભાર્થીઓ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સ્વાગત વિધિ સામાજિક ન્યાય મંત્રાલય, નવી દિલ્હીથી ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ(એલિમ્કો)ના આસિસ્ટન્ટ મેનેજરશ્રી મૃદલ અવસ્થિ દ્વારા કરવામાં આવી હતી તેમજ ભાજપ મહામંત્રીશ્રી રસિકભાઈ ભુંગાણી, શહેર ભાજપ પ્રમુખશ્રી ચંદ્રકાંતભાઈ સાવલિયા દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું.