by Admin on | 2024-02-21 16:22:10
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 102
દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિઝન છે કે, દેશભરમાં ખેડૂતો મોટી સંખ્યામાં પ્રાકૃતિક કૃષિ કરે અને સમૃદ્ધ બનીને દેશના વિકાસમાં સહભાગી બને. આ વિઝનને સાકાર કરવા માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અન્વયે ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ માટે 'મિશન મૉડ' પર કામ કરવામાં આવી રહ્યું છે. રાજ્યપાલશ્રી દ્રઢ વિશ્વાસ સાથે હંમેશા એ વાત પર ભાર મુકે છે કે, “પ્રાકૃતિક કૃષિ એ કલ્યાણકારી કૃષિ છે. માનવીના આરોગ્યપ્રદ જીવન માટે પ્રાકૃતિક કૃષિ વરદાન છે.” આ મંત્રને અનુસરતા બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી ડો. જીન્સી રોયના નેતૃત્વમાં બોટાદ જિલ્લા સેવા સદન ખાતે “કિચન ગાર્ડન” રૂપે નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.
બોટાદ જિલ્લા સેવા સદન ખાતે કિચન ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં તમામ શાકભાજી પ્રાકૃતિક ઢબે ઉગાડવામાં આવ્યા છે. ત્યારે આજરોજ પ્રાકૃતિક કૃષિ થકી ઉગેલા શાકભાજીનું વિતરણ આંગણવાડીઓને કરવામાં આવ્યું હતું. જેથી આંગણવાડીએ જતાં બાળકોને પ્રાકૃતિક કૃષિ થકી ઉગેલા શાકભાજીરૂપે પોષણયુક્ત આહારનો ઉપહાર મળશે. તથા તેમના સ્વાસ્થ્યના સ્તરમાં પણ સુધારો થશે. આ કિચન ગાર્ડનમાં મરચા, ટામેટા, દૂધી, કોથમરી, મૂળા, બીટ સહિતના કંદમૂળ અને શાકભાજીનું વાવેતર કરાયું છે, જેની જીવામૃતના ઉપયોગ થકી બાગાયત વિભાગ દ્વારા નિરંતર માવજત લેવામાં આવી રહી છે.
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જેઠીબેન પરમાર, જિલ્લા કલેક્ટરશ્રી ડો.જીન્સી રોય, નિવાસી અધિક કલેક્ટરશ્રી પી. એલ. ઝણકાત, સહાયક માહિતી નિયામકશ્રી રાધિકાબેન વ્યાસ તથા જિલ્લા અગ્રણીશ્રી પાલજીભાઈ પરમારના વરદહસ્તે જિલ્લાની પાંચ આંગણવાડીઓને બોટાદ જિલ્લા સેવા સદનના આંગણે જ પ્રાકૃતિક ઢબે ઉગેલા શાકભાજીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેક્ટરશ્રી ડો. જીન્સી રોયની પ્રેરણાથી બોટાદના બરવાળા તાલુકામાં વિશ્વ પ્રસિદ્ધ શ્રી સાળંગપુરધામ ખાતે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે વેચાણ હાટ શરૂ કરાયા છે. દર શનિ-રવિવારે લાખો લોકો મંદિરે દર્શાનાર્થે પધારે છે અને પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોના ઉત્પાદનો ખરીદે છે. કલેક્ટરશ્રીના આ અભિગમથી ખેડૂતોને શ્રેષ્ઠ બજાર મળી રહ્યું છે જ્યારે દર્શનાર્થીઓને આરોગ્યવર્ધક પ્રાકૃતિક કૃષિથી તૈયાર થયેલા ઉત્પાદનો ખરીદવાનો અવસર મળી રહે છે.
ખેડૂતોના કલ્યાણ માટે, લોકોના આરોગ્ય અને સ્વાસ્થ્ય માટે, ધરતી મા અને ગૌમાતાના સંરક્ષણ માટે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અનિવાર્ય છે. જેને અનુસરતા જિલ્લા કલેક્ટરશ્રીની કિચન ગાર્ડન રૂપી આ નવતર પહેલનો સીધો લાભ દેશના ભાગ્યવિધાતા એવા નાના ભૂલકાઓને મળી રહ્યો છે અને ભવિષ્યમાં પણ આ પ્રકારના નવતર પ્રયાસો થકી બોટાદ જિલ્લો પ્રાકૃતિક કૃષિયુક્ત બને તે માટે જિલ્લા વહીવટી તંત્ર સતત પ્રતિબદ્ધ છે.