by Admin on | 2024-02-25 08:44:11
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 43
ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવાર ઉમેશ મકવાણાએ, બોટાદ જિલ્લાના વિશ્વ પ્રખ્યાત વિસામણ બાપુની જગ્યા પાળીયાદ ધામ, તાલુકાના કાનીયાડ ગામ સ્થિત ઝાંપડા દાદાના સહિત દેવસ્થાનોમાં દર્શન કરી ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રી સભા યોજીને લોકસભાની ચૂંટણીના શ્રીગણેશ કર્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોએ ઉત્સાહભેર ઉમેશ મકવાણાને આવકારી સ્વાગત કર્યું હતું.
હાલમાં જ ગુજરાત રાજ્યમાં ગઠબંધનમાં 15-ભાવનગર લોકસભાના ઉમેદવાર તરીકે બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ગઈકાલે સાંજના સમયે ઉમેશ મકવાણાએ સૌરાષ્ટ્ર પંથકનું પ્રગટ પીરાણુ વિશ્વ પ્રખ્યાત વિસામણ બાપુની જગ્યા પાળીયાદ ધામ ખાતે આશીર્વાદ લીઈ બાદમાં બોટાદ તાલુકાના કાનીયાડ ગામ ખાતે ઝાંપડા દાદાના તેમજ ધાર્મિક સ્થાનોએ દર્શન કરી ચૂટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો. બોટાદના કાનીયાડ ગામે રાત્રી દરમ્યાન જનસભા સંબોધી હતી. ત્યાર બાદ બોટાદ તાલુકાના તરઘરા ગામે સિકોતર માતાના આશીર્વાદ લઇ જનસભા સંબોધી હતી.
તાલુકાના હડદડ ગામ ખાતે પહોંચતા ગ્રામજનોએ ઉત્સાહભેર ભાવનગર લોકસભાના ઉમેદવાર ઉમેશ મકવાણાનું ઢોલ-નગારા વગાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. અને ઉમેશ મકવાણાએ હડદડ ગામ ખાતે પણ સભાને સંબોધી હતી. તેમજ લોકોની સમસ્યાઓ જાણી અને તેના ઉકેલ માટે પ્રયાસો કરવા જણાવ્યું હતું. લોકસભા -2024 ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ગઠબંધન 15-ભાવનગર લોકસભાના ઉમેદવાર અને બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા, પ્રદેશ આગેવાન પરશોતમભાઈ, શહેર પ્રમુખ કાળુભાઈ રાઠોડ સહિતના આગેવાનો ચૂટણી પ્રચારમાં જોડાયા હતા. જ્યારે દરેક સભામાં લોકોનો ખુબ મોટો ઉત્સાહ જોવા મળ્યો હતો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા અને ઉમેશ મકવાણાને જંગી બહુમતીથી ચૂંટણી જીતાડવા લોકોએ હુંકાર કર્યો હતો.