by Admin on | 2024-02-26 15:45:13
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 233
બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી ડો. જીન્સી રોયના વરદહસ્તે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા જિલ્લાના દિવ્યાંગોને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લાના કુલ 93 દિવ્યાંગ લાભાર્થીઓને ઘરઘંટીનું વિતરણ કરાતા તેમના ઘરે ખુશીનો માહોલ છવાયો હતો. ઈન્ચાર્જ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી ડી.કે.જાડેજાની આગેવાની હેઠળ પ્રોબેશન ઓફિસરશ્રી વસંતબેન બગડાની દેખરેખમાં સમગ્ર આયોજન કરાયું હતું. આ તકે જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના કર્મયોગીઓ ઉત્સાહભેર સહભાગી બન્યા હતા.
દિવ્યાંગજનોને ઘરબેઠા રોજગારી પુરી પાડી શકાય તે માટે રાજ્ય સરકારશ્રીના સમાજ સુરક્ષા વિભાગની 'દિવ્યાંગ સાધન સહાય યોજના' કાર્યરત છે. આ યોજના અંતર્ગત ફ્લોરમીલના વ્યવસાય માટે ઘરઘંટી, સીવણ માટેના સાધનો, સુથારી કામની કીટ, દહીં-દૂધની કીટ સહિતના સાધનો સો ટકા સહાયથી પૂરા પાડવામાં આવે છે. બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી ડો.જીન્સી રોયના નેતૃત્વમાં ઈન્ચાર્જ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી ડી.કે.જાડેજાના માર્ગદર્શન અન્વયે પ્રોબેશન ઓફિસરશ્રી વસંતબેન બગડા સાથે સમાજ સુરક્ષા સહાયક સુશ્રી હેતલબેન પરમાર, ઋષિભાઈ ગોંડલીયા, વિજયભાઈ સોલંકી સહિતના કર્મયોગીઓની ઉર્જાવાન ટીમ કાર્યરત છે.