by Admin on | 2024-02-27 14:42:51
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 980
બોટાદ જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાનિયાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લાના 37 વિદ્યા સહાયકોના પૂર્ણ પગારના ઓર્ડર વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. બોટાદ જિલ્લાના શિક્ષણ વિભાગે ફરી એકવાર સમગ્ર રાજ્યમાં ગૌરવ વધાર્યુ છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ડો. ભરત વઢેરના માર્ગદર્શન અને પ્રેરણાથી પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરીની અવિરત કામગીરી થકી જિલ્લામાં 37 વિદ્યા સહાયકોને તેમના ફરજમાં જોડાયાના પાંચ વર્ષ પૂર્ણ થયાના દિવસે જ પૂર્ણ પગારના હુકમોનું વિતરણ કરવામાં આવ્યું છે.
આ અવસરે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાનિયાએ જણાવ્યું હતું કે, “બોટાદ જિલ્લા શિક્ષણ વિભાગે આ અનેરી પરંપરા ચાલુ કરી છે કે વિદ્યા સહાયકોને નોકરીના પાંચ વર્ષ પૂર્ણ થયાના દિવસે જ તેમને પૂર્ણ પગારના હુકમ વિતરણ કરાયું છે. આ પ્રશંસનીય કામગીરી માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ડો. ભરત વઢેર અને તેમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ છે.” જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, “બોટાદ જિલ્લામાં ફરજ બજાવતા તમામ શિક્ષકો તેમના સકારાત્મક અભિગમ સાથે ઉત્તરોત્તર આગળ વધતા રહે. દરેક કાર્યમાં સકારાત્મક ઉર્જા રાખવી ખૂબ જરૂરી છે આજે જે દાખલો બોટાદ જિલ્લા શિક્ષણ વિભાગે બેસાડ્યો છે તેનાથી પ્રોત્સાહિત થઈને શિક્ષકોએ પણ પોતાની શાળાઓમાં બાળકો સુધી તે સકારાત્મક ઉર્જાનો સંચાર કરવો જોઈએ.”
કાર્યક્રમમાં અગ્રણીશ્રી પાલજીભાઈ પરમારે પણ શિક્ષકોને આર્શીવચન આપ્યા હતા. જિલ્લા શિક્ષણ સમિતિના શ્રી પ્રભાતભાઈ યાદવે પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું. આ તકે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ડો.ભરત વઢેરે ઉપસ્થિતિ શિક્ષકોને પ્રેરણારૂપ પ્રવચન કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ડો. પ્રભાતસિંહ મોરી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં ભગવાનપરા સરકારી શાળાના બાળકોએ સુંદર પ્રાર્થનાગીત રજૂ કર્યું હતું. કાર્યક્રમના અંતે ફરજ પર જોડાયાના પાંચ વર્ષ પૂર્ણ થયાના દિવસે જ પૂર્ણ પગારના હુકમોનું વિતરણ કરવા અંગે શિક્ષકોએ પોતાના મંતવ્યો રજૂ કરી અન્ય શિક્ષકોને પ્રેરણા પૂરી પાડી હતી. કાર્યક્રમમાં ટી.પી.ઈ.ઓ., બી.આર.સી., સહિતના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.