GUJARAT BOTAD

બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડો. જીન્સી રોયના અધ્યક્ષસ્થાને વિવિધ વિભાગો, કંપનીઓ તેમજ સહકારી મંડળીઓ સાથે મતદાર જાગૃતિની પ્રવૃત્તિઓ માટે એમ.ઓ.યુ.(MoU) કરાયા

by Admin on | 2024-03-05 15:40:01

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 53


બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડો. જીન્સી રોયના અધ્યક્ષસ્થાને વિવિધ વિભાગો, કંપનીઓ તેમજ સહકારી મંડળીઓ સાથે મતદાર જાગૃતિની પ્રવૃત્તિઓ માટે એમ.ઓ.યુ.(MoU) કરાયા

સહકારી મંડળીઓ સાથે જોડાયેલા તમામ લોકો અન્ય લોકોને પણ મતદાન કરવા જાગૃત કરે તે જરૂરી: જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વ જિલ્લા કલેક્ટરશ્રી


 લોકસભા સામાન્ય ચૂંટણી-2024ને અનુલક્ષીને મતદારો ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય રીતે સહભાગી થાય, ચૂંટણી પ્રક્રિયા અંગે જરૂરી જાણકારી મેળવે અને મહત્તમ સંખ્યામાં મતદાન કરવા પ્રેરાય તે હેતુ મતદાર જાગૃતિ અંગે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજ્યકક્ષાએ અગત્યના વિભાગો, સંગઠનો, સંસ્થાઓ, ઔધોગિક એકમો સાથે મતદાર જાગૃતિની પ્રવૃત્તિઓ માટે MoU કરવાની કામગીરી ગતિમાન છે. જે અન્વયે બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી વ જિલ્લા કલેક્ટરશ્રી ડો. જીન્સી રોયના અધ્યક્ષસ્થાને ચૂંટણી શાખાની બેઠક મળી હતી. જેમાં ગ્રામ વિકાસની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ માટે ડાયરેક્ટરશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સાથે તથા વીજગ્રાહકો થકી મતદાન જાગૃતિ માટે કાર્યપાલક ઈજનેરશ્રી, પીજીવીસીએલ, બોટાદ સહિતના વિભાગો તેમજ જિલ્લામાં કાર્યરત સહકારી મંડળીઓ સાથે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા.


આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ સ્વીપ પ્રવૃત્તિઓમાં સહભાગી થનાર તમામ સહકારી મંડળીઓનો આભાર માનતા જણાવ્યું હતું કે, “સહકારી મંડળીઓ સાથે જોડાયેલા તમામ લોકો અન્ય લોકોને પણ મતદાન કરવા જાગૃત કરે. ખાસ કરીને મહિલાઓને મતદાન કરવા માટે વિશેષ પ્રોત્સાહન આપવું જોઈએ. બોટાદ જિલ્લામાં મતદાન પ્રત્યે લોકો જાગૃત થાય તે હેતુથી વિવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેમાં ઈવીએમ મોબાઈલ વાન, સેલ્ફી પોઈન્ટ થકી મતદાન જાગૃતિ માટે વિવિધ કામગીરી સહિતની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. વધુમાં ફ્લેશમોબ, મેજિક શો, નાટકો દ્વારા પણ મતદાન જાગૃતિનો નવતર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેમ કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું. 


આ બેઠકમાં ડાયમંડ એસોસિએશન, જીનીંગ અને પ્રેસીંગ એસોસિએશન, ઢસા ઇન્ડસ્ટ્રીઝ એસો., જીઆઇડીસી એસો., સ્કાય ઇન્ડસ્ટ્રીઝ, ટેક્સપિન ઇન્ડસ્ટ્રીઝ, મારૂતિ ઇન્ડસ્ટ્રીઝ, હોટેલ અને રેસ્ટોરન્ટ એસો., બિલ્ડર અને કોન્ટ્રાક્ટર એસો., પેટ્રોલપંપ એસો., ફેરપ્રાઇઝ શોપ એસો., મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર સંચાલક એસો., ગેસ એજન્સી એસો., આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ, આંગણવાડી સંચાલક એસો., આશાવર્કર-હેલ્થવર્કર એસો., મધુસૂદન ડેરી સહિતનાં સહકારી મંડળો તથા કંપનીઓ સાથે મતદાન જાગૃતિ અંગે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા.  


જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે મળેલી બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રીએ રચનાત્મક સૂચનો કર્યા હતા તથા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કે.એન.કાચાએ બેઠક બાબતે સૌને વિસ્તૃત જાણકારી આપી હતી. પ્રાંત અધિકારીશ્રી સહિતના અધિકારીશ્રીઓ, જિલ્લા અગ્રણીશ્રી તેમજ જિલ્લાની વિવિધ સહકારી મંડળીના આગેવાનો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. 


Search
Recent News
Top Trending

Leave a Comment