by Admin on | 2024-03-05 15:44:04
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 101
બોટાદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વ કલેક્ટરશ્રી ડૉ. જીન્સી રોયની અધ્યક્ષતામાં સ્વીપ કાર્યક્રમ અંતર્ગત ૩૩ જેટલા ખાસ સંવેદનશીલ આદિમ જૂથોને PVTGs (Particular Vulnerable Tribal Groups)ને લોકશાહીમાં મતદાનનું મૂલ્ય અંગે માહિતગાર કરાયા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેક્ટરશ્રીની માર્ગદર્શન અને પ્રેરણાથી બોટાદ જિલ્લાના આદિમ જૂથને પ્રથમવાર મતદાનનો અવસર મળશે.
આ અવસરે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વ કલેક્ટરશ્રી ડૉ. જીન્સી રોયે જણાવ્યું હતું કે, લોકશાહીનો અવસર એ અનેરો અવસર છે ત્યારે પાત્રતા ધરાવતા તમામ લોકોએ અવશ્ય મતદાન કરવું જોઇએ. તેમણે બોટાદ જિલ્લામાં રહેતા ૩૩ જેટલા આદિમ જુથના મતદારોને આગામી સમયમાં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં અવશ્ય મતદાન કરવાની અપીલ કરી હતી. પાત્રતા ધરાવતા આદિમ જુથના કોઇ મતદાર નોંધણી માટે બાકી રહી જતા હોય તો તે અંગેની માહિતી જિલ્લા પ્રશાસનના ધ્યાન પર મુકવા જણાવ્યું હતું. કલેક્ટરશ્રીએ લોકશાહીમાં મતદાન કેમ કરવું જોઇએ તે અંગેની જરૂરી જાણકારી પુરી પાડી હતી. આ આદિમ જુથોના મતદાન થકી બોટાદ જિલ્લામાં ગત ચૂંટણી કરતા વધુ મતદાન થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
આ અવસરે નાયબ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી કે.એન.કાચાએ લોકશાહીમાં મતદાનનું મૂલ્ય અંગે આદિમ જુથોને માહિતગાર કરવાની સાથોસાથ આદિમ જુથોને બેલેટ યુનિટ, કન્ટ્રોલ યુનિટ અને વીવીપેટ અંગે નિદર્શન કરી જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
કાર્યક્રમમાં અધિક નિવાસી કલેક્ટરશ્રી પી.એલ.ઝણકાત, મામલતદારશ્રી (શહેરી) જે.બી.વૈષ્ણવ સહિત ચૂંટણીશાખાના કર્મચારીઓ તેમજ આદિમજુથોના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં