by Admin on | 2024-03-06 14:15:50
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 150
બોટાદ જિલ્લા સેવા સદન ખાતે રૂ.૧૪૩.૫૨ લાખના ખર્ચે અધ્યતન સુવિધા સાથે નિર્માણ પામેલ જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટરનું ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રીશ્રી વ બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયાના વરદહસ્તે લોકાર્પણ કરાયું હતું. લોકાર્પણ બાદ મંત્રીશ્રીએ જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લઇ ઉપલબ્ધ સુવિધાઓની માહિતી મેળવી હતી.
બોટાદ જિલ્લા મુખ્ય મથકે નિર્માણ પામેલ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ભવનમાં કલેક્ટરશ્રીની ચેમ્બર, સ્ટાફરૂમ, કોમ્યુનિકેશન રૂમ, કોન્ફરન્સ રૂમ, રીટાયરીંગ રૂમ, કંટ્રોલરૂમ તેમજ અન્ય આનુષાંગિક વ્યવસ્થા ઉપરાંત તદ્દન નવા ફર્નિચર સાથેની અલાયદી વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે, વરસાદ, વાવાઝોડા, ભૂકંપ જેવી કુદરતી આફતો તથા આગ અકસ્માત જેવી માનવસર્જિત આફતો વખતે નુકસાનની માહિતી તથા બચાવ અને રાહત કામગીરી માટે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર (DEOC) ખાતે ૨૪x૭ કલાક કંટ્રોલ રૂમ કાર્યરત હોય છે. આ કંટ્રોલ રૂમમાં ટેલીફોન અને રાજય સરકારના કંટ્રોલ રૂમ સાથે હોટ લાઈનની સુવિધા ઉપલબ્ધ હોય છે. ભારે વરસાદની આગાહી મળે ત્યારે અને હવામાન ખાતા તરફથી પૂર/વાવાઝોડા કે અન્ય કુદરતી આપત્તિ અંગેની ચેતવણી મળ્યેથી સંબંધિત અધિકારીઓને તેની તાત્કાલિક જાણ કરી તકેદારીના પગલાં લેવા જણાવવામાં આવે છે.
આ લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ જેઠીબેન પરમાર, જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.જીન્સી રોય, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુડાણીયા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી કે.એફ.બલોલિયા, નિવાસી અધિક કલેક્ટરશ્રી પી.એલ.ઝણકાત, પ્રાંત અધિકારીશ્રી ચરણસિંહ ગોહિલ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયુરભાઇ પટેલ સહિત જિલ્લાના અધિકારીશ્રીઓ-પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.