GUJARAT BOTAD

નારીશક્તિ વંદના મહોત્સવ'ની ઉજવણી: બોટાદ ખાતે કેબિનેટ મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો

by Admin on | 2024-03-06 14:30:00

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 53


નારીશક્તિ વંદના મહોત્સવ'ની ઉજવણી: બોટાદ ખાતે કેબિનેટ મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો

જિલ્લાના સખીમંડળોની કામગીરીની સરાહના કરતાં બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી : કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે સ્વસહાય જૂથની બહેનોને વિવિધ સહાયનું વિતરણ કરાયું


'નારીશક્તિ વંદના મહોત્સવ'  અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ૧3 હજારથી વધુ સ્વ-સહાય જૂથના ૧ લાખ 30 હજારથી વધુ મહિલાઓને સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જે અન્વયે બોટાદ ખાતે ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી વ બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. 


આ કાર્યક્રમમાં મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટી તંત્રની જહેમતથી આજે સિટીબસ, એટીએમ, શેલ્ટરહોમનું લોકાર્પણ, નવીનીકરણ પામેલી આંગણવાડીઓનું અર્પણ સહિતના અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવાનો અવસર મળ્યો તે બદલ બોટાદ જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરૂં છું. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ બહેનો પર જે વિશ્વાસ મુક્યો છે તેને આપણાં દેશની બહેનો સાર્થક કરી રહી છે. આજે સખી મંડળો દ્વારા ઉત્પાદિત વિવિધ વસ્તુઓની માંગ વિદેશો સુધી પ્રસરી છે. સખી મંડળો થકી બહેનો પોતે પણ લાભ મેળવે છે અને અન્ય મહિલાઓને પણ લાભ અપાવી રહી છે.


મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે,  “વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં “બેટી બચાવો, બેટી પઢાઓ”, “શાળા પ્રવેશોત્સવ” જેવા અનેક અભિયાનો શરૂ થયાં જેને કારણે દીકરીઓના જન્મને પ્રોત્સાહન મળ્યું છે. આજે સરકારશ્રીની અનેકવિધ યોજનાઓનું સુદ્રઢ અમલીકરણ થઇ રહ્યું છે. સરકારશ્રીની અનેક યોજનાઓ માત્ર મહિલાઓ માટે જ છે. સરકાર ગર્ભવતી સ્ત્રીઓ તથા કિશોરીઓના પોષણની પૂરતી તકેદારી રાખી રહી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણાં ભારતને પરમ વૈભવ સુધી પહોંચાડવા, ભારતને વિશ્વ ગુરૂ બનાવવાનું સ્વપ્ન જોયું છે, અને તેને સાકાર કરવા માટે દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આપણું ગુજરાત વિકાસનું સરનામું બન્યું છે. રાજ્યના અંતરિયાળ વિસ્તારના લોકો સુધી વિકાસ પહોંચ્યો છે.” 


 આ અવસરે જિલ્લા કલેક્ટરશ્રી ડો. જીન્સી રોયે જણાવ્યું હતું કે, “આગામી આઠ માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની તમામ મહિલાઓને અનેક અનેક શુભકામનાઓ. આજના આ લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને હું ખૂબ ગર્વની લાગણી અનુભવી રહી છું. હું ચોક્કસપણે એવું માનું છું કે શિક્ષણના સથવારે દરેક સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે. આપણે હંમેશા સમસ્યાને અવસરમાં ફેરવીને આગળ વધવું જોઈએ.” 


સમગ્ર દેશની સાથે બોટાદ જિલ્લામાં “વિકસિત ભારત-વિકસિત ગુજરાત”ની થીમ અંતર્ગત બોટાદ અને ગઢડા ખાતે નારીશક્તિ વંદના કાર્યક્રમો યોજાયા હતાં. આ કાર્યક્રમને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પશ્ચિમ બંગાળથી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાટણથી નારીશક્તિ વંદના કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું. બોટાદમાં યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ સ્વ-સહાય જૂથની બહેનોએ તેમની પ્રેરણાદાયી સાફલ્યગાથાઓ રજૂ કરી હતી, જેને પ્રભારી મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયા દ્વારા બિરદાવવામાં આવી હતી. 


કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુડાનિયાએ સ્વાગત પ્રવચન તથા પ્રાંત અધિકારીશ્રી ચરણસિંહ ગોહિલે આભાર વિધી કરી હતી. પ્રાંત અધિકારીશ્રીએ ઉપસ્થિત તમામ લોકોને અવશ્ય મતદાન કરવા અંગે શપથ લેવડાવ્યા હતા, અધિકારીશ્રી દ્વારા તમામ નાગરિકોને મતદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.  કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્યશ્રી દયાબેને પ્રેરક ઉદબોધન કર્યું હતું.  તેમજ વિદ્યાર્થિનીઓએ મતદાન જાગૃતિ અંગે સુંદર ગરબો રજૂ કર્યો હતો. કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે સખીમંડળની બહેનોને વિવિધ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પૂર્વે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ખાતે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અલગ અલગ બનાવોમાં પોલીસે કબ્જે કરેલા મુદ્દામાલને તેમના માલિકોને સુપરત કરાયા હતા, ઉપરાંત વાર્ષિક અહેવાલ પુસ્તકનું વિમોચન તેમજ બોટાદથી સાળંગપુર પગપાળા જતાં યાત્રીઓની સલામતી માટે સાયકલ સ્કવોડનું મંત્રીશ્રીના વરદ હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.


મહિલા સંમેલન કાર્યક્રમમાં ફૂટબોલની રમતમાં બોટાદ જિલ્લાનું નામ દેશભરમાં રોશન કરી રહેલી ત્રણ ખેલાડીઓને ટ્રોફી અને શાલ એનાયત કરી સન્માનિત કરવામાં આવી હતી. આ અવસરે બોટાદ એ.પી.એમ.સી દ્વારા તૈયાર કરવામાં આવેલા ચોપડાનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિમોચન કરાયું હતું. આ ચોપડાનું વિતરણ વિદ્યાર્થીઓને રાહત દરે કરવામાં આવશે. 


બોટાદના માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જેઠીબેન પરમાર, તાલુકા વિકાસ પ્રમુખશ્રી મંજુલાબેન બારૈયા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી મયુરભાઈ પટેલ, એપીએમસી પ્રમુખશ્રી મનહરભાઈ માતરિયા, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વિરાણી, બોટાદ ભાજપ મહામંત્રી શ્રી રસિકભાઈ ભુંગાણી, અગ્રણીશ્રી પાલજીભાઈ પરમાર, શ્રી ભૂપતભાઈ મેર સહિતના અગ્રણીશ્રીઓ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી કિશોરભાઈ બલોલિયા, તાલુકા વિકાસ અધિકારીશ્રી જયરાજસિંહ ગોહિલ, મામલતદારશ્રી(ગ્રામ્ય) એસ.આર.પરમાર સહિતના અધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. 


Search
Recent News
Top Trending

Leave a Comment