GUJARAT BOTAD

સુરેન્દ્રનગરના થાન તાલુકાના તરણેતરના મેળા ખાતે આયોજિત પશુ પ્રદર્શન હરિફાઈમાં બોટાદ જિલ્લાની જાફરાબાદી ભેંસે પ્રથમ ક્રમ મેળવ્યો

by Admin on | 2024-09-11 12:59:11

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 175


સુરેન્દ્રનગરના થાન તાલુકાના તરણેતરના મેળા ખાતે આયોજિત પશુ પ્રદર્શન હરિફાઈમાં બોટાદ જિલ્લાની જાફરાબાદી ભેંસે  પ્રથમ ક્રમ મેળવ્યો

રાણપુર તાલુકાના દેવળીયા ગામના પશુમાલિક સંજયભાઈ માલકીયાને રૂ. 50 હજારનો ચેક એનાયત કરાયો

પશુપાલન વિભાગ, બોટાદ દ્વારા મને સતત માહિતી અને માર્ગદર્શન મળ્યું, અધિકારીશ્રીનો હું આભારી છું :  પશુમાલિક સંજયભાઈ


ગુજરાતની પ્રગતિમાં પાયારૂપ એવા પશુપાલનના વ્યવસાયને પ્રોત્સાહન મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના તરણેતરના મેળા ખાતે પશુ-પ્રદર્શન હરીફાઈ યોજવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે રાજ્યના પ્રવાસન મંત્રી તથા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી મુળુભાઈ બેરા અને કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં પશુ પ્રદર્શન હરીફાઈ યોજાઈ હતી. આ સ્પર્ધામાં બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના દેવળીયા ગામના પશુપાલક સંજયભાઈ માલકીયાની જાફરાબાદી ભેંસનો પશુ પ્રદર્શન હરિફાઈમાં પ્રથમ ક્રમ આવ્યો હતો. જે બદલ પશુમાલિકને રૂ. 50 હજારનો ચેક એનાયત કરાયો હતો. 


પોતાનો અનુભવ વર્ણવતા પશુપાલક સંજયભાઈએ જણાવ્યું હતું કે, “હું ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે વર્ષોથી જોડાયેલો છું. પશુપાલન વિભાગ, બોટાદ દ્વારા મને સુરેન્દ્રનગરમાં તરણેતરના મેળા ખાતે આયોજન થનારી પશુ હરિફાઈ સ્પર્ધાની માહિતી મળતા મેં તેમા ભાગ લીધો હતો. સ્પર્ધામાં મારી જાફરાબાદી ભેંસને પ્રથમ ક્રમ આવ્યો હતો. જે બદલ મને રૂ. 50 હજારનું ઈનામ પ્રાપ્ત થયું છે, ઉપરાંત મારા ગામથી તરણેતરના મેળા સુધી લાવવા-લઈ જવાનો ખર્ચ તેમજ પશુનો નિભાવ ખર્ચ પણ પશુપાલન વિભાગ દ્વારા મને આપવામાં આવ્યો હતો. જે બદલ હું પશુપાલન વિભાગના અધિકારીશ્રી અને પશું ચિકિત્સા અધિકારીશ્રી, રાણપુરનો આભારી છું.”

 

આ વર્ષે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામના પશુપાલક સાનિયા નિલેશભાઈ માતમભાઈની માલિકીનો ગીર સાંઢ ચેમ્પિયન ઓફ ધ શો જાહેર થયો હતો. જે માટે પશુ માલિકને રૂપિયા એક લાખનું ઈનામ એનાયત કરાયું હતું. ગીર ગાય તથા કાંકરેજ ગાયની શ્રેણીમાં રાજકોટના કસ્તુરબા ધામ ખાતેના સ્વામિનારાયણ ગુરુકુળની ગીર ગાય પ્રથમ ક્રમે રહી હતી. જ્યારે ભુજના ઢોરી ગામના ગાગલ લક્ષ્મણભાઈ ગીપલભાઈની કાંકરેજ ગાય પ્રથમ ક્રમે રહી હતી. જાફરાબાદી તથા બન્ની ભેંસની શ્રેણીમાં રાણપુરના દેવળીયા ગામના સંજયભાઈ કરશનભાઈ માલકિયાની માલિકીની જાફરાબાદી ભેંસ પ્રથમ ક્રમે રહી હતી. ભુજના ઢોરી ગામના ગાગલ મહેશભાઈ વાલજીભાઈની માલિકીની બન્ની ભેંસ પ્રથમ રહી હતી. પ્રથમ ક્રમના તમામ વિજેતાને રૂપિયા ૫૦ હજારનું ઇનામ એનાયત કરવામાં આવ્યું હતું.

 

રાજ્ય સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૦૮થી પશુ  પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે. આ હરીફાઈનો હેતુ શુદ્ધ દેશી જાતિના ઉચ્ચ લક્ષણો ધરાવતા પશુઓ - ગીર, કાંકરેજ ગાય, જાફરાબાદી, બન્ની ભેંસના ઉછેરને પ્રોત્સાહન આપવાનો છે. તરણેતર લોકમેળો-2024 અંતર્ગત ત્રણ દિવસીય પશુ પ્રદર્શન હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. પશુપાલકોને પ્રોત્સાહન મળી રહે તે માટે રૂ.૩૭.૯૧ લાખનાં ૨૨૧ ઈનામો વિવિધ કેટેગરીમાં એનાયત કરાયા હતા. આ પશુ પ્રદર્શનમાં ‘ચેમ્પિયન ઓફ ધ શો’ને રૂ.એક લાખનું ઈનામ આપવામાં આવ્યું હતું.  

Search
Recent News
Top Trending

Leave a Comment