by Admin on | 2024-09-12 12:32:17
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 92
બોટાદ જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડો. જીન્સી રોયના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત સમીક્ષા બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં કલેક્ટરશ્રીએ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અંગેની સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો.
બેઠકમાં થયેલી ચર્ચા પ્રમાણે, બોટાદ જિલ્લામાં ક્લસ્ટર બેઝ (પાંચ ગામ દીઠ ક્લસ્ટર) તાલીમો, 34 ક્લસ્ટરોમાં ખરીફ ઋતુમાં જિલ્લાના ૧૮૧ ગામોમાં ગામ દીઠ ચાર તાલીમ મુજબ ૬૮૧ તાલીમો યોજાઈ છે. દેશી ગાય આધારીત સંપુર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુંટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચ (વર્ષના રૂ.૧૦,૮૦૦/- લેખે ) સહાય આપવાની યોજના હેઠળ બોટાદ જિલ્લામાં આ વર્ષે ૨૦૨૪-૨૫ માટે ૯૦૪ લાભાર્થી ખેડૂતોને રૂ. ૪૮.૮૧ લાખના ચુકવણા હુકમો કરવામાં આવ્યા છે.
ગ્રામ પંચાયત દીઠ પ્રાકૃતિક ખેતી કરતા ૭૫ ખેડૂતો મુજબ કુલ ૧૪૫ ગ્રામ પંચાયતોમાં ૭૫થી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે. પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મમાં કુલ-૩૧ ખેડૂતોને મોડેલ ફાર્મ બનાવવા મંજુરી અપાઈ છે. જીવામૃત અને ઘન જીવામૃત યુનિટ બનાવવા માટે બે સંસ્થાઓને મંજુરી આપવામાં આવી છે. જીવામૃત અને ઘન જીવામૃત વિતરણ માટે આત્મા યોજનાના તાલુકા દીઠ-૨ મુજબ કુલ-૮ એફ.આઇ.જી ગૃપોને મંજુરી આપવામાં આવી છે. કલેક્ટરશ્રીએ બેઠકમાં અધિકારીશ્રીઓને યથાયોગ્ય માર્ગદર્શન આપ્યું હતું તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુડાનિયાએ રચનાત્મક સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી બી.બી.કાનડે, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) શ્રી બી.આર.બલદાણિયા, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી યુ.જે.પટેલ, તેમજ જિલ્લા પશુપાલન કચેરીના અધિકારીશ્રીઓ અને બાગાયત કચેરીના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.