by Admin on | 2024-09-13 13:31:37
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits:
સ્વચ્છતા માટે નાગરિકોમાં આદત કેળવાય અને કચરા નિકાલ માટે યોગ્ય વ્યવસ્થાપન થાય તે માટે ખાસ સ્વચ્છતા હી સેવા ઝુંબેશ વેગવંતી છે. સાથોસાથ બોટાદ જિલ્લામાં આગામી ૧૭ મી સપ્ટેમ્બરથી ૩૧ ઓક્ટોબર ૨૦૨૪ સુધી શહેરી અને ગ્રામિણ વિસ્તારોમાં ૧૦મા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાશે. નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓના લાભ ઝડપથી તકલીફ વિના પ્રાપ્ત થાય અને તેમના પ્રશ્નોનું સ્થાનિક સ્તરે તાકીદે નિવારણ થાય તેવા આશયથી ગુજરાત સરકારે સેવાસેતુ કાર્યક્રમ શરૂ કર્યો છે. જેને અનુલક્ષીને બોટાદ જિલ્લા કલેકટરશ્રી ડો. જીન્સી રોયે તમામ બોટાદવાસીઓને આ બંને મહત્વપૂર્ણ અભિયાનોમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.
કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, “બોટાદ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં તા.૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ઓક્ટોબર સુધી સેવા સેતુ અને સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે. ૧૭મી સપ્ટેમ્બરના રોજ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ઉમરાળા ગામથી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનો શુભારંભ થશે.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે. તમામ બોટાદ વાસીઓને અનુરોધ કરું છું કે આપ સૌ પણ આ કાર્યક્રમમાં સહભાગી બનો. આ વર્ષે ‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ની થીમ સાથે સ્વચ્છતા અભિયાનની ઉજવણી થવા જઈ રહી છે, જેમાં ‘એક પેડમાં કે નામ અભિયાન’ને આવરીને મોટી સંખ્યામાં રોપાઓનું વાવેતર કરવામાં આવશે.“
સેવા સેતુ કાર્યક્રમ અંગે કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, “સરકારશ્રીની તમામ યોજનાઓનો લાભ અને સહાય અંગેની નાગરિકોની વ્યકિતગત રજૂઆતો સાથે અરજીઓનો સ્થળ પર જ નિકાલ માટે બોટાદ જિલ્લામાં આગામી ૧૭ મી સપ્ટેમ્બરથી ૩૧ ઓક્ટોબર ૨૦૨૪ સુધી શહેરી અને ગ્રામિણ વિસ્તારોમાં ૧૦માં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાનાર છે. જેનો પ્રારંભ ૧૭ સપ્ટેમ્બરના રોજ રાણપુરના ઉમરાળા ગામ ખાતેથી થશે. સેવા સેતુ કાર્યક્રમ સવારના ૯ વાગ્યાથી સાંજના ૫ વાગ્યા સુધી યોજાશે, જેમાં ૨ વાગ્યા સુધી અરજીઓ સ્વીકારવામાં આવશે, જેમાં હું તમામ બોટાદવાસીઓને ભાગ લેવા માટે નમ્ર અપીલ કરું છું.”