by Admin on | 2024-09-18 09:50:13
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 2
બોટાદમાં માનસિક અસ્વસ્થ મહિલા માટે પોલીસ સ્ટેશન બેઈઝ્ડ સપોર્ટ સેન્ટર મદદની સરવાણી લઈને આવ્યું હતું. 37 વર્ષીય માનસિક અસ્વસ્થ મહિલા પરિવારથી વિખૂટી પડી ગઈ હતી. મહિલા અંગે એક જાગૃત રીક્ષાચાલકને માલુમ પડતા તેમણે બોટાદ ખાતે કાર્યરત પોલીસ સ્ટેશન બેઈઝ્ડ સપોર્ટ સેન્ટરનો સંપર્ક કર્યો હતો. જ્યાં અરજદારની માનસિક સ્થિતિને ધ્યાને લઈ કાઉન્સેલર રીંકલબેન મકવાણા તેમજ રીનાબેન વ્યાસ દ્વારા મહિલાને માનસિક સાંત્વના આપી મિત્રતાભર્યો માહોલ ઉભો કરી મહિલાનું કાઉન્સેલિંગ કરાયું હતું.
પરંતુ માનસિક અસ્વસ્થ મહિલા પોતાની ઓળખ યોગ્ય રીતે આપવામાં અસક્ષમ હતી. જેના પરિણામે અસમંજસની સ્થિતી સર્જાઈ હતી. તો બીજી તરફ મહિલાના પરિવારજનો પણ તેના અચાનક ગુમ થવા પર ચિંતામાં મુકાયા હતા. મહિલા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ નયનાબેન ગામિતિ તેમજ કાઉન્સેલર દ્વારા વિવિધ ગામના સરપંચો તેમજ સામાજિક આગેવાનના સંપર્ક નંબર લઇ પૂછપરછ કરાતા કલાકો બાદ એક ગામના સરપંચ દ્વારા આ મહિલાની ભાળ મળી આવી હતી. સરપંચશ્રીના પ્રયાસોથી અસ્વસ્થ મહિલાના પતિનો સંપર્ક કરવામાં આવ્યો હતો. કાઉન્સેલર દ્વારા મહિલાના પતિ સાથે વાતચીત દરમિયાન મહિલા પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરમાં સુરક્ષિત છે તેવું આશ્વાસન મળતા મહિલાના પતિએ રાહતના શ્વાસ લીધો હતો.
પી.બી.એસ.સી. દ્વારા ટેલીફોનીક સંપર્ક બાદ મહિલાના પતિ તેમજ પિયર પક્ષના લોકો અંદાજે ૨ કલાકના સમયગાળામાં જ સેન્ટર ખાતે પહોંચ્યા હતા. મહિલાના પતિએ જણાવ્યું હતું કે, તેણી માનસિક અસ્વસ્થતા અનુભવી રહી છે. તે દિવસે સવારે પત્નીની તબિયત નાજુક જણાતાં તેમણે ખેતરમાં સાથે ન લઇ ગયા અને પછી મહિલા પોતે ઘરે એકલા હોય કોઇપણને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયા હતા. કાઉન્સેલિંગ દરમિયાન પતિને પત્નીના પર્સમાં નામ-સરનામા અને મોબાઈલ નંબર સાથે રાખવા અંગે ભલામણ કરવામાં આવી હતી, જેથી આ પ્રકારની ઘટના બને તો સરળતાથી તેમનો સંપર્ક સાધી શકાય. ઉપરાંત મનોચિકિત્સક ડોક્ટરનો સંપર્ક કરી સારવાર કરવા અંગેની સલાહ આપવામાં આવીમાં હતી. સાથેસાથે કાઉન્સેલર દ્વારા ટેલિમાનસ હેલ્પલાઇન 14416 નંબર પર કોલ કરાવી વાત કરી હતી. જેથી મહિલાની માનસિક સારવાર થઇ શકે.
મહિલાના પતિ દ્વારા પોતાના પત્નીની સારવાર કરાવવા માટેની બાહેંધરી લઈ પી.બી.એસ.સી. દ્વારા માનસિક અસ્વસ્થ મહિલાને પતિને સોંપવામાં આવી હતી. પરિવાર સાથે મિલન કરાવવા તેમજ સૂઝબુઝથી શોધી આપવા અને આપેલા માર્ગદર્શનના બદલ મહિલાના પરિવારે સેન્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો.