GUJARAT BOTAD

બોટાદ જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો-2024 યોજાયો

by Admin on | 2024-09-27 11:19:20

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 850


બોટાદ જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો-2024 યોજાયો

સમગ્ર બોટાદ જિલ્લામાં આજે 24,568 લાભાર્થીઓ અને તેમના પરિવારોના ઘરે લાપસીના આંધણ મુકાયા :   લાભાર્થીઓને કુલ 26 કરોડ 84 લાખની સહાયનું વિતરણ


જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જેઠીબેન પરમારના અધ્યક્ષસ્થાને તેમજ ધંધુકાના ધારાસભ્યશ્રી કાળુભાઈ ડાભી અને ગઢડાના ધારાસભ્ય મહંતશ્રી શંભુનાથજી ટૂંડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો 


રાજ્ય સરકારની વિવિધ યોજનાકીય સહાય ગરીબ, જરૂરિયાતમંદ લાભાર્થીઓને એક જ સ્થળે હાથોહાથ આપવાના આશયથી રાજ્યભરમાં 14મા તબક્કાનો ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત બોટાદ જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો જૂના માર્કટીંગ યાર્ડ, પાળીયાદ રોડ, બોટાદ ખાતે યોજાયો હતો. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જેઠીબેન પરમાર તેમજ ધંધુકાના ધારાસભ્યશ્રી કાળુભાઈ ડાભી અને ગઢડાના ધારાસભ્ય મહંતશ્રી શંભુનાથજી ટૂંડિયાની પ્રેરક ઉપસ્થિતિ લાભાર્થીઓને સાધન સહાયનું વિતરણ કરાયું હતું. 


ગરીબ કલ્યાણ મેળા પહેલાં,  મેળામાં મહાનુભાવોની હાજરીમાં અને ત્યારબાદ કુલ 24,568 લાભાર્થીઓને 26 કરોડ 84 લાખની સહાય અર્પણ કરવાના અભિગમ સાથે સરકારના વિવિધ વિભાગો દ્વારા માનવ કલ્યાણ યોજના, માનવ ગરિમા, સ્વસહાય જુથ સંબંધિત યોજનાઓ, આવાસ, વ્હાલી દિકરી, દિવ્યાંગ લગ્ન સહાય, કૃષિ અને પશુપાલનની યોજનાઓ, કુંવરબાઈ મામેરા, સ્વસહાય જૂથોને સ્ટાર્ટઅપ ફંડ, ગંગાસ્વરૂપા અને વૃદ્ધ સહાય પેન્શન,પાલક માતાપિતા યોજના, આયુષ્માન કાર્ડ, નિ:શુલ્ક બસ પાસ, ખેડૂતોને ઓજાર સહાય, ખેતમજૂરોને સાધનસહાય સહિતની અનેકવિધ યોજનાઓના લાભો અપાયા હતા. 

 

આ અવસરે ધંધુકાના ધારાસભ્યશ્રી કાળુભાઈ ડાભીએ પ્રેરક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, “આજે બોટાદ જિલ્લાના આંગણે ગરીબ કલ્યાણ મેળારૂપી રૂડો અવસર આવ્યો છે. દેશના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા છેવાડાના મનુષ્યોની ચિંતા કરી છે. દેશના તમામ નાગરિકો શાંતિથી અને સુખપૂર્વક પોતાનું જીવન વ્યતિત કરી શકે તે માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી છે. ગરીબ કલ્યાણ મેળા થકી જરૂરિયાતમંદોને સહાય સીધી તેમના હાથ સુધી પહોંચે તે માટે સુચારૂં આયોજન કરાયું છે, અને તેના વડે આજે લાભાર્થીઓના જીવનમાં અનેક સકારાત્મક પરિવર્તનો આવ્યા છે” તેમ ધારાસભ્યશ્રી એ જણાવ્યું હતું.


આ તકે ગઢડાના ધારાસભ્ય મહંતશ્રી શંભુનાથજી ટૂંડિયાએ જણાવ્યું હતું કે, “આપણાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટે પંચ પ્રાણ પ્રતિજ્ઞા આપી છે. ગરીબ કલ્યાણ મેળા થકી તમામ જરૂરિયાતમંદ લાભાર્થીઓ સુધી રાજ્ય સરકાર પહોંચી છે, અને લાભાર્થીઓને ઘરઆંગણે યોજનાકીય લાભો હાથોહાથ એનાયત કરવાની  પ્રણાલી યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉભી કરી છે. આ દેશને ત્રીજી આર્થિક મહાસત્તા બનાવવાનો વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે, અને આ માટે દેશના દરેક નાગરિકને જાગૃત કરવાનું કામ તબક્કાવાર રીતે થઈ રહ્યું છે. વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટે  દરેક નાગરિકે પણ પોતાને વિકસિત કરવા ખૂબ જરૂરી છે, અને તે માટે આપણે સૌ નાગરિકો આપણાં કર્તવ્ય પથ પર કર્તવ્યબદ્ધ રીતે આગળ વધી તેવી તમામ દેશવાસીઓને મારી શુભકામના છે.”


 કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કરી ઈન ચાર્જ જિલ્લા કલેક્ટરશ્રી અક્ષય બુડાનિયાએ ગરીબ કલ્યાણ મેળાની રૂપરેખા આપી હતી. કાર્યક્રમમાં અગ્રણીશ્રી પાલજીભાઈ પરમારેએ પ્રાંસગિક પ્રવચન કર્યું હતું. આ વેળાએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં બનાસકાંઠામાં આયોજિત રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું. આ તકે બોટાદ જિલ્લા માહિતી કચેરી દ્વારા તૈયાર કરવામાં આવેલી ડોક્યુમેન્ટરીઝ પણ પ્રદર્શિત કરવામાં આવી હતી


કાર્યક્રમમાં લાભાર્થીઓએ પોતાની સાફલ્ય ગાથા વર્ણવી હતી  અને સાથોસાથ તેમના જીવનમાં આવેલા સકારાત્મક પરિવર્તન અંગે સ્વઅનુભવ જણાવી આવેલા અન્ય બોટાદવાસીઓને પ્રોત્સાહિત કર્યા હતા. ત્યારબાદ કાર્યક્રમમાં લાભાર્થીઓને મંચ પરથી સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું અને બાકીના લાભાર્થીઓ માટે સહાય વિતરણની વ્યવસ્થા કરવામાં આવી હતી.


 આ પ્રસંગે ચંદુભાઈ સાવલિયા, ભોળાભાઈ રબારી, ધનશ્યામભાઈ વિરાણી, ચારેય તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ સહિતના અગ્રણીશ્રીઓ તેમજ પ્રાંત અધિકારીશ્રીઓ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી સહિતના તમામ અધિકારીગણ-કર્મચારીગણ તેમજ વિશાળ સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 


Search
Recent News
Top Trending

Leave a Comment