GUJARAT BOTAD

બોટાદ જિલ્લાના ચારેય તાલુકાઓમાં બે દિવસીય ‘રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪’નો શુભારંભ

by Admin on | 2024-12-06 14:49:05

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 124


બોટાદ જિલ્લાના ચારેય તાલુકાઓમાં બે દિવસીય ‘રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪’નો શુભારંભ


ગુજરાતમાં ખેતીના ઉત્પાદનને વધારવા, નવીન તકનીકો ખેડૂત સુધી પહોંચાડવા અને ખેતી ખર્ચ ઘટાડી ખેડૂતોની આવક વધારવા રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૦૫-૦૬માં કૃષિ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત બોટાદ જિલ્લાના તમામ ૪ તાલુકામાં દ્વિદિવસીય રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪નો પ્રારંભ થયો હતો. બોટાદ તાલુકાના લાઠીદડ ગામ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જેઠીબેન પરમાર સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો હતો. 


બોટાદ તાલુકાના લાઠીદડ ખાતે ઉપસ્થિતોએ રવિ કૃષિ મહોત્સવમાં બનાસકાંઠાથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા રાજ્યકક્ષાના રવિ કૃષિ મહોત્સવના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.


કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વિવિધ કૃષિ વિષયક યોજનાઓના લાભાર્થીઓને પ્રમાણપત્ર તેમજ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિવિધ કૃષિ યોજનાઓના મંજૂરીપત્રો અને સહાય હુકમોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અગ્રણીશ્રી પાલજીભાઈ પરમાર તેમજ શ્રી રસિકભાઈ ભુંગાણી દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્વાગત વિધિ ખેતીવાડી અધિકારીશ્રી ઉમેશભાઈ પટેલ અને આભાર વિધિ તાલુકા વિકાસ અધિકારીશ્રી માંજરીયા દ્વારા કરવામાં આવી હતી. 


કાર્યક્રમમાં મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક શ્રી ડો. અમરજીત સિંઘે મિલેટ પાકોમાં મૂલ્યવર્ધન વિશે ખેડૂતોને માહિતગાર કર્યા હતા તેમજ વૈજ્ઞાનિક (વિસ્તરણ) શ્રી ડો. કે.ડી.ગુલકરી દ્વારા બાગાયતી પાકો સાથે મિક્સ ફાર્મિંગ અંગે માહિતી આપી હતી. 


કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહાનુભાવોએ પ્રગતિશીલ ખેડૂતોના સ્ટોલ અને બાગાયતી ખેત પેદાશોના પ્રદર્શન સ્ટોલની મુલાકાત લીધી હતી. ત્યારબાદ સૌ ખેડૂત મિત્રોએ પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની મુલાકાત લીધી હતી.


 કાર્યક્રમમાં બાગાયત શાખા, પશુપાલન શાખા, આરોગ્ય શાખા, ગુજરાત રાજ્ય બીજ નિગમ, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન લિ., ગુજરાત રાજ્ય ફર્ટીલાઇઝર કોર્પોરેશન, ઇફ્કો, કિસાન ક્રેડિટ કાર્ડ, આઇ.સી.ડી.એસ., જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સહિતના વિવિધ સ્ટોલનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.   


લાઠીદડ સબયાર્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી મંજુલાબેન બારૈયા, પ્રાંત અધિકારીશ્રી ગોસ્વામી, મામલતદાર (સિટી) શ્રી પરમાર,  પશુપાલન અધિકારી ડો. આર.જી. માળી સહિતના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ તેમજ ખેડૂતમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

Search
Recent News
Top Trending

Leave a Comment