by Admin on | 2024-12-11 15:28:36
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 264
બોટાદ જિલ્લા રાણપુર તાલુકાના દ્રષ્ટાંતરૂપ ઉમરાળા ગામ ખાતે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજના હેઠળ લાઈબ્રેરી, ગ્રે-વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા અન્ય વિકાસ કામોનું મહાનુભાવોના વરદહસ્તે ખાતમુહુર્ત-લોકાર્પણ કરાયું હતું. ઉમરાળા ગામના વિકાસ અર્થે સરકારશ્રીની વિવિધ યોજના અંતર્ગત આશરે ૪૫ લાખના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરાયું હતું. જેમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત લાઈબ્રેરી અને ગ્રામહાટનો પણ શુભારંભ કરાયો હતો. આ અવસરે વિવિધ વિકાસ કામો ગુણવત્તાસભર રીતે પરિપૂર્ણ થાય તથા નાગરિકોને સુવિધામાં વધારો થાય તેવી ઉપસ્થિત અગ્રણીશ્રીઓ ગામલોકોને શુભેચ્છાઓ પાઠવી હતી.
કાર્યક્રમમાં ધંધુકાના ધારાસભ્યશ્રી કાળુભાઈ ડાભી, બોટાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુડાનિયાના, અગ્રણીશ્રી પાલજીભાઈ પરમાર, મયૂરભાઈ પટેલ, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ સહિતના અગ્રણીશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉમરાળા ગામવાસીઓને વિવિધ પ્રકલ્પોની ભેંટ મળતા ગામમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના વિવિધ વિકાસ કાર્યોના અભિયાનને વેગ મળ્યો છે. ત્યારે આ પ્રકલ્પોના ખાતમુહુર્ત તથા લોકાર્પણ થકી ગ્રામ્ય વિસ્તારના સમૃદ્ધિના દ્વાર ખુલશે.