GUJARAT BOTAD

કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને બરવાળા ખાતે બોટાદ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની આન બાન શાન સાથે ઉજવણી

by Admin on | 2025-01-26 11:42:05

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 270


કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને બરવાળા ખાતે બોટાદ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની આન બાન શાન સાથે ઉજવણી

- આપણું બંધારણ વિશ્વ-બંધુત્વ અને સર્વ-કલ્યાણની ભાવનાના પાયા પર રચાયું
-  આપણે બંધારણ દ્વારા સામાજિક ન્યાય અને સર્વસમાવેશી વિકાસ સાથે સંબંધિત ઘણા મહત્વકાંક્ષી લક્ષ્યાંકો પ્રાપ્ત કર્યા


૭૬મા પ્રજાસત્તાક પર્વની બોટાદ જિલ્લા કક્ષાની ઉજવણી બરવાળાની ઝઝુબા હાઇસ્કૂલના પરિસરમાં ગુજરાત સરકારના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો વિભાગના મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને આન બાન શાન પૂર્વક કરવામાં આવી હતી.  આ અવસરે મંત્રીશ્રીએ પરેડનું નિરીક્ષણ કરી ઉપસ્થિતોનું અભિવાદન જીલ્યું હતું. કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ વર્ષ ૨૦૦૦માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપમાં મૃત્યુ પામનારાઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.


૭૬માં પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવતા આ અવસરે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, “મહાત્મા ગાંધી, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ અને ડો.બાબાસાહેબ આંબેડકર જેવા અનેક મહાપુરુષોથી માંડીને નાનામાં નાના નાગરિકોએ રાષ્ટ્ર-નિર્માણમાં યત્કિચિંત યોગદાન આપ્યું છે. આજના અવસરે આ તમામ પ્રત્યે આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ.આજના પાવન પર્વે આપણે બંધારણ અપનાવ્યું હતું. આપણું બંધારણ એક જીવંત અને પ્રગતિશીલ દસ્તાવેજ છે. આપણા દૂરંદેશી બંધારણ-નિર્માતાઓએ બદલાતા સમયની જરૂરિયાતોને અનુરૂપ નવા વિચારો અપનાવવાની વ્યવસ્થા પૂરી પાડી હતી. આપણે બંધારણ દ્વારા સામાજિક ન્યાય અને સર્વસમાવેશી વિકાસ સાથે સંબંધિત ઘણા મહત્વકાંક્ષી લક્ષ્યાંકો પ્રાપ્ત કર્યા છે.”


મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, “બંધારણની પ્રસ્તાવનામાં રજૂ થયેલા આદર્શો એકબીજાના પૂરક છે. તેની પ્રસ્તાવના - "આપણે, ભારતના લોકો" શબ્દથી શરૂ થાય છે, જે વિશ્વની સૌથી મોટી લોકશાહીનો પ્રાણ છે. આ પ્રકારની ઉજવણીના પ્રસંગો આપણને રાષ્ટ્રની વિકાસ-યાત્રાનું સ્મરણ કરાવે છે.આપણું બંધારણ વિશ્વ-બંધુત્વ અને સર્વ-કલ્યાણની ભાવનાના પાયા પર રચાયું છે. 

બોટાદની પાવન ધરાને વંદન કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, “બોટાદ જિલ્લો પ્રાચીન સંસ્કૃતિની સાથેસાથે સાહિત્ય અને ધાર્મિક દ્રષ્ટિએ અનેરું સ્થાન ધરાવે છે.  આપણાં બરવાળાનું નામ દેશના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં કંડારેલું છે. વીર ઘેલાશા અને બરવાળા બંને અજોડ રીતે જોડાયેલા છે. અને આજે બરવાળાની આ પવિત્ર ભૂમિ પર ઉપસ્થિત રહીને આપણે વીર ઘેલાશાને નમન કરીએ. જેમની અદમ્ય ભાવના આપણને સતત પ્રેરણા આપે છે. આપણાં દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં બરવાળાનું યોગદાન અમૂલ્ય છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ શરૂ કર્યો તેના ભાગરૂપે બરવાળામાં પણ છાવણી નાંખવામાં આવી હતી. બરવાળા તાલુકો હજારો-લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર રહ્યો છે. અહીં સ્થિત ધાર્મિક સ્થળો સમગ્ર વિશ્વમાં બેજોડ અને ઐતિહાસીક ધરોહર સમાન છે.”


મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, “આપણે અક્ષય ઉર્જાના સ્ત્રોતને પ્રોત્સાહન આપવામાં અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને નાથવામાં વિશ્વને નેતૃત્વ પૂરુ પાડવા સક્ષમ છીએ. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપીને આપણે જળ, જમીન અને પ્રકૃતિનું સંરક્ષણ કરીએ. આજના ટેકનોલોજીના યુગમાં આપણે ટેકનોલોજીના દુરઉપયોગને અટકાવવા માટે જનજાગૃતિ ઉભી કરીએ. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ જેવી અદ્યતન ટેકનોલોજીનો માનવ-વિકાસમાં ઉપયોગ કરીએ.”


આ શુભ અવસરે મંત્રીશ્રીએ સશસ્ત્ર દળો, પોલીસ અને અર્ધ-લશ્કરી દળોના જવાનોને પણ કૃતજ્ઞતાપૂર્વક વંદન કરતા જણાવ્યું હતું કે, “આ રાષ્ટ્ર પ્રહરીઓના યોગદાન વિના સલામત અને સુરક્ષિત સમાજનું નિર્માણ શક્ય નથી.આપણા બંધારણીય આદર્શોને અનુસરીને લોકશાહીના મૂલ્યોને સુદ્રઢ કરવા સૌ સંકલ્પબદ્ધ બનીએ અને વિકસિત ભારતના નિર્માણમાં આપણે આપણું અમૂલ્ય યોગદાન આપીએ.”


આ વેળાએ ગ્રામ રક્ષક દળ, હોમગાર્ડ, બોટાદ જિલ્લા પોલીસ પુરુષ કર્મીઓ અને મહિલા કર્મીઓ સહિતના જવાનો દ્વારા પરેડ રજૂ કરવામાં આવી હતી. તેમજ બોટાદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, બોટાદ જિલ્લા પોલીસ, પી.જી.વી.સી.એલ., આરોગ્ય વિભાગ, આત્મા, જિલ્લા સમાજ કલ્યાણ અને મહિલા અને બાળ વિકાસ કચેરી, વન સંરક્ષકશ્રીની કચેરી, આઈ.સી.ડી.એસ., પશુપાલન શાખા સહિત કુલ 10 વિભાગોના ટેબ્લો રજૂ કરાયા હતા. કાર્યક્રમમાં બોટાદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી દ્વારા સાંસ્કતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સેન્ટ ઝેવયર્સ, આદર્શ વિદ્યાલય-હડદડ, વલ્લભી વિદ્યાપીઠ, જે.જે. સુતરીયા શાળા, કે.ડી.પરમાર વિદ્યાલય- કિનારા અને સંસ્કાર ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા દમદાર પ્રસ્તુતિ કરવામાં આવી હતી. તેમજ પોલીસ વિભાગ દ્વારા શ્વાન શો યોજાયો હતો. આ તકે મંત્રીશ્રી દ્વારા બરવાળા તાલુકાના વિકાસ માટેનો ચેક જિલ્લા કલેક્ટરશ્રીને અર્પણ કરાયો હતો. 


પ્રજાસત્તાક પર્વની ઉજવણી અવસરે બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેન્ડબોલની રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા ખેલાડીઓ હર્ષદભાઈ હાંડા, કૃપાબેન ધાંધલ, મોરી સીયા બા જયદેવભાઈનું સન્માન કરાયું હતું, તેમજ યોગ ક્ષેત્રે અર્જુનભાઈ નિમાવત, ગીતાબેન પીપાવતને સન્માનિત કરાયા હતા. સોરાષ્ટ્ર ક્રિકેટ એસો.માં અંડર 14માં કેપ્ટન થવા બદલ કાવ્ય પટેલ, નાયબ મામલતદારશ્રી દુધરેજા, કલેક્ટર કચેરીના ક્લાર્ક શ્રી સાગરભાઈ ચૌહાણ, શ્રમયોગીશ્રી દેવુબેન દેત્રોજા, કંડક્ટરશ્રી પાથાભાઈ, સમાજ સેવામાં કામગીરી બદલ અરવિંદભાઈ કામદાર, ઈમરજન્સી ટેકનીશ્યન મેનેજનમેન્ટમાંથી શ્રી કલ્પેશભાઈ સોલંકી, 108ના પાયલોટ તરીકે છેલ્લા 16 વર્ષથી સેવા આપતા શ્રી ભરતભાઈ ખટાણા, હોમગાર્ડ જવાન શ્રી નટવરલાલ સવાણી, એ.એસ.આઈ.શ્રી શિવાંગ ભટ્ટને તેરા તુજકો કાર્યક્રમ બદલ ઉમદા કામગીરી બદલ સન્માનિત કરાયા હતા. વ્યાયામ શિક્ષક તરીકે દશરથસિંહ ગોહિલ અને મામલતદારશ્રી બરવાળાના ડ્રાયવર હિતેષભાઈને સુંદર કામગીરી બદલ પ્રશસ્તિ પત્ર એનાયત કરાયા હતા. કાર્યક્રમમાં અંતે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઝબુબા સ્કૂલના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. 


        આ અવસરે બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જેઠીબેન પરમાર, ગઢડાના ધારાસભ્યશ્રી શંભુપ્રસાદજી ટૂંડિયા,બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી ડો. જીન્સી રોય,  જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાણીયા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી કિશોરભાઈ બળોલીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ભાર્ગવભાઈ પટેલ સહિત જિલ્લાના અધિકારીઓ-પદાધિકારીઓ તેમજ બોટાદવાસીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Search
Recent News
Top Trending

Leave a Comment