by Admin on | 2023-04-26 16:33:52
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 30
લોકોના પ્રશ્નોના સ્થળ પર નિરાકરણ માટે શરૂ કરાયેલા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમને 20 વર્ષ પૂર્ણ થવાના અવસરે આજે સમગ્ર બોટાદ જિલ્લામાં તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 20 વર્ષ સ્વાગત સેવાની સફળતા અંતર્ગત બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાણિયાના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ લોકોના પ્રશ્નો સાંભળી તેનો ઝડપી ઉકેલ લાવવા અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપ્યું હતું.
આ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં 79 અરજીઓના સકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને આયોજિત આ કાર્યક્રમમાં ગૌચર તથા સરકારી પડતર જમીન પરના દબાણો હટાવવા બાબત, આવાસ યોજના બાબત, જમીન બાબત, સિંચાઈ બાબત, રોડ તેમજ પાણીના પ્રશ્નો, બસ સ્ટેન્ડ, રેશનીંગની દુકાન, રમત-ગમતનું મેદાન, નવી આંગણવાડી સહિતના પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં રજૂ કરાયેલા મહત્તમ પ્રશ્નોનું સ્થળ પર જ સકારાત્મક નિવારણ લાવવામાં આવ્યું હતું.
ગઢડા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ગઢડા મામલતદારશ્રી મોહનાણી, તાલુકા વિકાસ અધિકારીશ્રી પરમાર સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.