by Admin on | 2023-04-27 12:27:09
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 25
દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી અને તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આરંભ કરાવેલા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમના 20 વર્ષ પૂર્ણ થવાના અવસરે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા સ્વાગત સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજરોજ બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી ડો. જીન્સી રોયના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
કલેક્ટરશ્રીના વડપણ હેઠળ ટપાલ સમયસર ન પહોંચવા બાબત, જમીન માપણી બાબત, દબાણ દૂર કરવા બાબત, આંબેડકર આવાસ યોજના અંતર્ગત મકાન સહાય બાબત, નડતરરૂપ પોલ હટાવવા બાબત સહિતના 14 જેટલા પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી હતી, જે પૈકી 12 પ્રશ્નોનો સકારાત્મક નિકાલ કરાયો હતો. કલેક્ટરશ્રી દ્વારા જે-તે વિભાગને તાકીદે અધૂરી કામગીરી પૂર્ણ કરીને પ્રજાના અન્ય પ્રશ્નો હલ કરવા સૂચના આપવામાં આવી હતી. બોટાદ કલેક્ટરશ્રીની કચેરીના કોન્ફરન્સ હોલમાં યોજાયેલા જિલ્લા સ્વાગત કાર્યક્રમનું સંચાલન નિવાસી અધિક કલેક્ટરશ્રી મુકેશભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.
સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાણિયા, નાયબ કલેકટર સુ.શ્રી રાજેશ્રીબેન વંગવાણી, ડીવાયએસપીશ્રી એ.એ.સૈયદ, સર્વે પ્રાંત અધિકારીશ્રીઓ, સર્વે મામલતદારશ્રીઓ તેમજ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
સ્વાગત કાર્યક્રમમાં જે તે અધિકારીની હાજરીમાં અરજદારને રૂબરૂ સાંભળીને તેમના પ્રશ્નોનું ઘરઆંગણે જ નિરાકરણ લાવવામાં આવે છે. પ્રજાલક્ષી પ્રશ્નોનું સત્વરે નિરાકરણ મળવાથી નાગરિકો ખુશખુશાલ છે. સ્વાગત ઓનલાઈન કાર્યક્રમે ગુજરાતને સુશાસન ક્ષેત્રે દેશભરમાં આગવી ઓળખ આપી છે